વરસાદના કારણે HSRP નંબર પ્લેટ નીકળી જતા વાહનચાલકો પરેશાન
૨૦૦થી વધુ કારની નંબર પ્લેટ સતત વરસી રહેલા ધોધમાર વરસાદમાં નીકળી ગઈ
અમદાવાદ, શહેરમાં વરસાદની એન્ટ્રી તો થઇ ગઇ હતી પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં મેઘરાજા જે રીતે મન મૂકીને વરસી રહ્યા છે તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. જ્યારે પણ મેઘરાજા તોફાની બેટિંગ કરે છે ત્યારે ત્યારે હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) નીકળી જાય છે.
સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરની ૨૦૦થી વધુ કારની નંબર પ્લેટ નીકળી ગઇ હોવાની ઘટના સામે આવી છે. કેટલીક જગ્યાએ એક રિવેટ નીકળી જતાં નંબર પ્લેટ રીતસર લટકી ગઇ હતી. જ્યારે વરસાદી પાણી ઓસર્યા ત્યારે નંબર પ્લેટ બહાર આવી ગઈ હતી.
શહેરમાં અષાઢી માહોલ જામ્યો છે અને મેઘરાજાએ શરૂઆતમાં જ તોફાની બેટિંગ શરૂ કરી દેતાં અમદાવાદી ત્રાહિમામ પોકારી ગયા છે. સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જાેકે વરસાદના કારણે આરટીઓની તકલાદી કામગીરી પરથી પણ પરદો ઊંચકાઈ ગયો છે. મુશળધાર વરસાદ પડે એટલે હાઇસિક્યોરીટીવાળી એચએસઆરપી લગાવવાની સિસ્ટમમાં ખામી હોવાનું સામે આવે છે.
શહેરમાં ભારે વરસાદ બાદ વરસાદનાં કારણે પાણી ભરાઈ ગયાં હતાં, જેમાં ૨૦૦થી વધુ નંબર પ્લેટ નીકળી ગઇ હતી. પાણીને ચીરીને કાર પસાર થતી હોય છે જેના કારણે ઊભા થતાં ઘર્ષણના કારણે રિવેટ નીકળી જાય છે. વાહનોમાં ફરજિયાત એચએસઆરપી આવી ગઇ છે, જેના કારણે આજે દરેક વાહનમાં એચએસઆરપી નીકળી ગઇ છે.
વરસાદ જ્યારે પણ વરસે અને ઠેર ઠેર પાણી ભરાય ત્યારે એચએસઆરપી નીકળી જાય છે. કારના બમ્પરમાં નંબર પ્લેટ લાગે છે, જેનાં કારણે આ સમસ્યા સર્જાય છે. ફાઈબરનાં બમ્પર હોવાનાં કારણે રિવેટ જાેઈએ તેવો ફીટ થતો નથી. જેનાં કારણે પાણી સાથે નંબર પ્લેટનું ઘર્ષણ થાય છે.
વરસાદ શાંત થતાંની સાથે જ પાણી ઓસરી જાય છે ત્યારે રોડ પર નંબર પ્લેટ પડેલી જાેવા મળે છે. નંબર પ્લેટ ફીટ કરતાં સમયે લગાવવામાં આવતા રિવેટની ક્વોલિટી બોગસ હોવાના કારણે આ સમસ્યા સર્જાય છે. જેના કારણે ચાલકોને નુકસાન વેઠવાનો દિવસ આવી ગયો છે.
ટુ વ્હીલરમાં નંબર પ્લેટ લોખંડની પ્લેટ પર લાગી હોવાથી વરસાદી માહોલમાં રિવેટ નીકળી જતો નથી ત્યારે કારમાં અવારનવાર રિવેટ નીકળી જાય છે. કારની પાછળની સાઈડમાં લગાવેલી નંબર પ્લેટ નીકળી જતી નથી જ્યારે આગળ ભાગે તો નંબર પ્લેટ નીકળી જાય છે.
નંબર પ્લેટમાં મશીન દ્વારા રિવેટ (બોલ્ટની જેમ) ફીટ કરવામાં આવે છે. જ્યારે કોઈપણ કાર ત્રણ ચાર ફૂટ પાણીમાંથી પસાર થાય ત્યારે પાણીનું એચએસઆરપી અને બમ્પર સાથે ઘર્ષણ થાય છે, જેના કારણે રિવેટ નીકળી જતાં નંબર પ્લેટ સરકી પડે છે. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદથી ખાસ કરીને શહેરના સિંધુ ભવન, હેલ્મેટ સર્કલ સહિતની જગ્યા પર પાણી ભરાઇ ગયાં હતાં ત્યારે કેટલાક વાહનો ત્રણ-ચાર ફૂટ પાણીમાંથી પણ પસાર થતા હતા.