ડ્રગ્સ કેસમાં આર્યનને ઘસેડવાની તૈયારીમાં સમીર વાનખેડે-શાહરુખની વધી શકે મુશ્કેલી
દીકરો આરોપમુક્ત થયો પરંતુ શાહરુખની વધી શકે મુશ્કેલી -ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરી હતી, તેને બચાવવા માટે તેમણે ૨૫ કરોડ રૂપિયા માગ્યા હોવાનો આરોપ હતો
મુંબઈ, સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરાને ફ્રે ન કરવા માટે લાંચ લેવાના આરોપી એસીબીના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને પોતાની અરજીમાં સુધારો કરવા અને વધારાની માહિતી ઉમેરવાની મંજૂરી આખરે બોમ્બે હાઈકોર્ટ તરફથી મળી ગઈ છે. હવે, શાહરુખ ખાન પર પણ આ મામલે કેસ ચાલી શકે છે.
વાનખેડેએ કોર્ટ સમક્ષ માગ કરી હતી કે, લાંચ આપનારા પર પણ કાર્યવાહી થવી જાેઈએ, કારણ કે એન્ટી-કરપ્શન એક્ટર હેઠળ લાંચ આપનારને પણ આરોપી જ ગણવામાં આવે છે. વાનખેડે એનસીબીમાં ઝોનલ ડિરેક્ટરના પદ પર હતા તે વખતે ઓક્ટોબર ૨૦૨૧માં તેમણે મુંબઈથી ગોવા જઈ રહેલી કોર્ડેલિયા ક્રૂઝમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા
અને ત્યાંથી ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરી હતી. તેને બચાવવા માટે તેમણે ૨૫ કરોડ રૂપિયા માગ્યા હોવાનો આરોપ હતો. બોમ્બે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે શાહરુખ ખાનને પણ આરોપી બનાવવો જાેઈએ.
આરોપ છે કે, વાનખેડેએ કેપી ગોસાવી દ્વારા ૫૦ લાખ રૂપિયાની રોકડ રકમ લાંચ તરીકે લીધી હતી. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રીવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ ૧૨ હેઠળ જાે કોઈ એન્ટી કરપ્શન બ્યૂરોને જાણ કર્યા વગર લાંચ આપે છે તો તેના પર પણ કેસ બને છે.
હાઈકોર્ટે વાનખેડેને ૨૦ જુલાઈ સુધી ધરપકડથી રાહત આપી છે. તેમના વકીલ આબાદ પોંડાએ કોર્ટમાં કહ્યું હતું કે, સીબીઆઈની ફરિયાદ રદ કરવાની માગના પક્ષમાં તર્ક આપવા માટે તેઓ અરજીમાં સુધારો કરવા માગે છે. લાંચ લેનારો જેટલો આરોપી છે એટલો જ આરોપી લાંચ આપનારો પણ છે અને એનસીબીને શાહરુખ પર કેસ ચલાવવાની રોકવાનો કોઈ અધિકાર નથી.
એનસીબીએ હાઈકોર્ટ સમક્ષ દાખલ કરેલા એફિડેવિટમાં કહ્યું હતું કે, સમીર વાનખેડેની શાહરુખ ખાન સાથેની વાયરલ થયેલી કથિત ચેટ પરથી તેમની પ્રામાણિકતા નક્કી કરી શકાય નહીં.
કારણ કે, તેમણે ચેટને યથાવત્ રાખી હતી અને આ વાત સીનિયર અધિકારીઓથી છુપાવી હતી. તેમણે ઘણીવાર એક્ટરને ફોન કોલ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ લાગતું હતું. ત્યારે તેનો જવાબ આપતા વાનખેડેના વકીલે કહ્યું હતું કે, તેઓ ન ઈચ્છતા હોવા છતાં શાહરુખ સાથે ચેટ કરવી પડી હતી.