અશા-માલસરને બ્રિજને જાેડતો રોડ પહોળો કરવા બાબતે વિવાદ
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અશા અને વડોદરા જીલ્લાના માલસર વચ્ચે નર્મદા નદી પર બનાવાતા નવા પુલનું કામ પુર્ણ થઈ જતા જનતા તેને વિધિવત ખુલ્લો મુકાય તેવી રાહ જાેઇને બેઠી છે.
દરમ્યાન આ નવા પુલને જાેડતા રસ્તાને વરાછા ગામથી ઝઘડિયા તાલુકાના વડીયા તળાવ સુધી પહોળો કરવાની કામગીરી ગતરોજ કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને રસ્તાને સાઈડ ઉપરથી ચાર ચાર મીટર સુધી પહોળો કરવા માટે ખોદી નાખવામાં આવ્યો હતો.
ત્યાર બાદ આ વિસ્તારમાં જમીન ધરાવતા ખેડૂતો દોડી આવ્યા હતા.આ ખેડૂતોના જણાવ્યા મુજબ જવાબદાર અધિકારીઓ તરફથી રસ્તો પહોળો કરવા બાબતે ખેડૂતોને કોઈપણ જાતની જાણ કરવામાં આવી નહતી.આને લઈને ખેડૂતો રોષે ભરાયા હતા
અને રસ્તાનું કામ અટકાવી દીધું હતું. ખેડૂતોએ કોઈપણ જાતની જાણ કર્યા વિના રસ્તો પહોળો કરવા ખોદી નંખાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.આ બાબતે અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા હતા.