પેટ્રોલ અને ડિઝલ કરતા મોંઘા થઈ ગયા ટામેટાઃ ઉદ્ધવ
ડુંગળી સાથે પણ વર્ષોથી આવું થતું રહ્યું છે. મોદી રાજમાં શું બદલાયું? ૯ વર્ષોમાં લીધેલા ર્નિણયોના ગુણગાન દરેક જગ્યાએ કરો છો પણ મોંઘવારીનું શું?
મુંબઈ, ઉદ્ધવ ઠાકરે જૂથવાળી શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા મહારાષ્ટ્રમાં રાજકીય ઘમસાણ અને મોંઘવારી અંગે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. સામનામાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે પોષાય તેવા દેખાવા લાગ્યા છે, કેમ કે તેના કરતાં તો ટામેટાં મોંઘા થઈ ગયા છે.
હવે પેટ્રોલ સસ્તું લાગે છે કેમ કે ટામેટાંના ભાવ આકાશ આંબી રહ્યા છે. એવી સ્થિતિ નિર્માણ પામી છે. સામનામાં લખવામાં આવ્યું છે કે યુપીએ સરકારમાં મોંઘવારી આકાશ આંબતી હોવાનો દાવો કરી મોદી સરકાર ૨૦૧૪માં સત્તામાં આવી હતી. જાેકે છેલ્લા નવ વર્ષથી હવે તેઓ સતત કેન્દ્રમાં શાસન કરે છે, પણ મોંઘવારીનું શું? શું મોંઘવારી ક્યાંક સંતાઈ ગઈ છે?
વાસ્તવિકતા એ છે કે મોદીના શાસનમાં ન તો દરમાં વધારો અટક્યો છે કે ન તો મોંઘવારી સંતાઈને બેઠી છે. ટામેટાના ભાવ ૧૨૦ રૂપિયાથી ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. સામનામાં મોંઘવારી અંગે પણ મોદી સરકાર પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
પૂછવામાં આવ્યું કે જ્યારે વૈશ્વિક ભાવ ઓછા થાય છે તો તેના પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા કેમ નથી થતા? જાે તમે મોંઘવારીનું ઠીકરું ક્યારેક આના પર તો ક્યારેક તેના પર ફોડતાં રહેશો તો પ્રજાને શું લાભ આપશો? હવે ટામેટાંના ભાવ ૧૫૦ને વટાવી ગયા છે અને તેમ છતાં તમે મોનસૂનને જવાબદાર ઠેરવી રહ્યા છો.
ડુંગળી સાથે પણ વર્ષોથી આવું થતું રહ્યું છે. મોદી રાજમાં શું બદલાયું? ૯ વર્ષોમાં લીધેલા ર્નિણયોના ગુણગાન દરેક જગ્યાએ કરો છો પણ મોંઘવારીનું શું?