દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને
છેલ્લા ૪ વર્ષમાં ગુજરાતમાં સરેરાશ વાર્ષિક ૮.૫ લાખ મૅટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન
(એજન્સી)ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બ્લૂ ઇકોનોમીને સતત પ્રોત્સાહન અને ગુજરાત સરકારની વિવિધ પ્રોત્સાહક નીતિઓના કારણે ગુજરાતમાં માછલીઓનું ઉત્પાદન સતત વધી રહ્યું છે અને માછીમારો દિવસેને દિવસે સમૃદ્ધ થઇ રહ્યા છે.
રાજ્યમાં આ બ્લૂ ઇકોનોમી તેમજ માછીમારોને વધુ પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યમાં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ દર વર્ષે ૧૦ જૂલાઈના રોજ ઉજવવામાં આવે છે અને દેશના દરિયાકાંઠો ધરાવતા રાજ્યો આની ઉજવણી કરે છે. ગુજરાતમાં આ વર્ષે ૧૦ જૂલાઈના રોજ વેરાવળમાં અને ૧૧ જૂલાઈના રોજ પોરબંદર, જાફરાબાદ, માંગરોળ અને ઓખામાં આ દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત મોર્ડન ટેક્નોલોજી વિશે માછીમારોને જાણકારી આપવામાં આવશે.
રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણીના કેટલાક દિવસ પહેલાના આંકડાઓ પરથી જાણકારી મળે છે કે ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાને છે, જ્યારે અન્ય તમામ પ્રકારના સ્ત્રોતોમાંથી થતા કુલ માછલીના ઉત્પાદનમાં દેશમાં પાંચમા સ્થાન પર છે.
છેલ્લા ૪ વર્ષોની વાત કરીએ તો ગુજરાતમાં કુલ માછલીના ઉત્પાદનનો આંકડો વાર્ષિક સરેરાશ લગભગ ૮.૫ લાખ મેટ્રિક ટન રહ્યો છે.
વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યમાં પ્રોવિઝનલ દરિયાઈ માછલીનું ઉત્પાદન ૬,૯૭,૧૫૧ મેટ્રિક ટન, જ્યારે આંતર્દેશીય માછલીનું ઉત્પાદન ૨,૦૭,૦૭૮ મેટ્રિક ટન રહેવાની સંભાવના છે. આ રીતે, વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાત રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ ૯,૦૪,૨૨૯ મેટ્રિક ટન રહેવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દેશનો સૌથી લાંબો ૧૬૦૦ કિમીનો દરિયાકિનારો છે, જેનો સીધો લાભ અહીંના માછીમારો અને મત્સ્ય ઉદ્યોગને થાય છે.