Western Times News

Gujarati News

આ વર્ષના વિશ્વ વસ્તી દિવસની થીમ છે ‘લૈંગિક સમાનતાની તાકાતને મોકળું મેદાન આપીએ’

વિશ્વ વસ્તી દિવસ – ૨૦૨૩ -વિશ્વ વસ્તી દિવસ ઊજવવાનું સૂચન એક ભારતીય વસ્તી નિષ્ણાતે કરેલું!

ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે સાથે સાથે સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ પણ છે

૧૧ જુલાઈ, ૧૯૮૭ના રોજ વિશ્વની વસ્તીનો આંકડો પાંચ અબજને આંબ્યો ત્યારે ડૉ. કે.સી. ઝકરિયાએ વધતી વસ્તીની સમસ્યા અંગે જનજાગૃતિ વધારવા વિશ્વ વસ્તી દિવસ ઊજવવાનું સૂચવ્યું હતું

આલેખનઃ દિવ્યેશ વ્યાસ

વર્ષ ૧૯૯૦થી સમગ્ર વિશ્વમાં ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય તરીકે આપણા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે આ દિવસની ઉજવણી કરવાનું સૂચન એક ભારતીય વસ્તીનિષ્ણાત ડૉ. કે.સી. ઝકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. The theme of this year’s World Population Day is ‘Unleash the power of gender equality’.

ઇતિહાસ એવો છે કે વર્ષ ૧૯૮૭માં ૧૧મી જુલાઈના રોજ વિશ્વની વસ્તીનો આંકડો પાંચ અબજને આંબ્યો ત્યારે વિશ્વ બેન્કમાં વસ્તીવિષયક નિષ્ણાત તરીકે સેવા આપી રહેલા ડૉ. કે.સી. ઝકરિયાએ વધતી વસ્તી અને તેને કારણે વકરતી વૈશ્વિક સમસ્યાઓ અંગે દુનિયાભરના લોકોમાં જાગૃતિ વધે એવા આશયથી વિશ્વ વસ્તી દિવસ ઊજવવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી)ની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા વર્ષ ૧૯૮૯માં દર વર્ષે ૧૧મી જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ મનાવવાનો ઠરાવ કરાયો અને વર્ષ ૧૯૯૦થી વિશ્વના મોટા ભાગના દેશોમાં આ દિવસની ઉજવણી શરૂ થઈ, જેમાં મોટા ભાગે સરકાર દ્વારા જનજાગૃતિ માટે વિશેષ પ્રયાસો કરવામાં આવે છે.

ડૉ. કે. સી. ઝકરિયા વિશે ટૂંકમાં જાણીએ. કેરળમાં જન્મેલા અને કેરળમાં જ અભ્યાસ કર્યા બાદ ઝકરિયા ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા અને પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી પીએચડી કરીને ડોક્ટરેટની ઉપાધિ મેળવી. સ્વદેશ પરત ફરીને ગૌહાટી અને પછી પટણામાં લેક્ચરર તરીકે ફરજ બજાવી.

મુંબઈ સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ પોપ્યુલેશન સાયન્સમાં ડેપ્યુટી ડિરેકટર તરીકે સેવા આપી અને પછી પહેલાં વિશ્વ બૅન્ક અને પછી સંયુક્ત રાષ્ટ્રમાં વસ્તી વિષયક નિષ્ણાત તરીકે કાર્યરત રહેલા. ભારતમાં તેમણે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટની સ્થાપના કરી હતી. ભારતમાં ઇન્ટરનલ માઇગ્રેશન પર તેમનાં સંશોધનો અને લેખન ખૂબ જ જાણીતા છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા દિવસોને દર વર્ષે અલગ અલગ વિષયવસ્તુ (થીમ) નક્કી કરીને ઊજવવાનું ચલણ છે. વર્ષ ૨૦૨૩ના વિશ્વ વસ્તી દિવસની થીમ છેઃ ‘લૈંગિક સમાનતાની તાકાતને મોકળું મેદાન આપીએઃ મહિલા અને બાળાઓના અવાજને બુલંદ કરીને આપણા વિશ્વની અનંત સંભાવનાઓને ખોલીએ.’ જેન્ડર ઇક્વાલિટી એટલે કે લૈંગિક સમાનતા પર વિશ્વનું ફોકસ વધતું જાય છે.

દુનિયાની અરધોઅરધ વસતી દબાયેલી, કચડાયેલી, નિરક્ષર અને નિરર્થક જીવન જીવે, એ કેમ ચાલે? વિશ્વ વસ્તી દિવસ ઊજવવાના ઉદ્દેશ પાછળ ગરીબ, બેરોજગારી, અસમાનતા, પ્રદૂષણ વગેરે સમસ્યાને નિવારવા ઉપરાંત માતામૃત્યુ દર ઘટાડવો, લૈંગિક સમાનતા વધારવી, માનવ અધિકારોનું સંરક્ષણ વગેરે પણ હતા.

માનવ વસ્તી એક અર્થમાં માનવ સંસાધન પણ છે, એને ધ્યાને લેતાં લૈંગિક સમાનતા સ્થપાય તો વિકાસની ગતિ આસાનીથી બેગણી કરી શકાય છે, એટલું જ નહિ,  દુનિયાને વધારે ન્યાયી તથા સુરક્ષિત બનાવી શકાય છે.

ભારત વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં જ વિશ્વનો સૌથી વધારે વસતી ધરાવતો દેશ બની ગયો છે. વસ્તી નિયંત્રણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા લોકોને પરિવાર નિયોજન માટે જાગૃત અને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. વધતી સાક્ષરતા અને શહેરીકરણને કારણે દેશમાં વસ્તી વૃદ્ધિનો દર ભયજનક નથી, એ આશાસ્પદ બાબત છે.

ભારત સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ હોવા છતાં આપણા માટે હકારાત્મક બાબત એ છે કે ભારત આજે વિશ્વનો સૌથી યુવાન દેશ પણ છે. દુનિયામાં સૌથી વધારે યુવાન વસ્તી આપણો દેશ ધરાવે છે. આઝાદીના અમૃતકાળમાં દેશની નારીશક્તિ અને યુવાશક્તિ જો યોગ્ય માર્ગે આગળ વધે તો દુનિયાની કોઈ તાકાત આપણને વિકસિત રાષ્ટ્ર બનતાં રોકી શકશે નહીં.

આપણા દેશની વસ્તીનો આંકડો આપણી જવાબદારી (લાયેબિલિટી) નહીં, પરંતુ આપણી તાકાત-સમ્પન્નતાનું (એસેટ) પ્રતીક બને એવી આશા રાખીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.