Western Times News

Gujarati News

ભારતમાં આગામી વસ્તી ગણતરી માટે ‘મોબાઇલ એપ’ વિકસાવાઇ

ભારતમાં દર ૧૦ વર્ષે યોજાતી વસ્તી ગણતરી

  • ભારતમાં વર્ષ ૨૦૨૧-૨૨માં પ્રથમ વસ્તી ગણતરીના ૧૫૦ વર્ષ પૂર્ણ
  • છેલ્લા ૫૦ વર્ષની ભારતની વસ્તી ગણતરીની પ્રક્રિયા પર ‘૧૯૮૧થી ભારતની વસ્તી ગણતરી’ વિષયક ગ્રંથ પ્રકાશિત

વિશ્વમાં દર વર્ષે ૧૧ જુલાઇએ વિશ્વ વસ્તી દિવસ મનાવવામાં આવે છે. ભારતમાં દર ૧૦ વર્ષે યોજાતી વસ્તી ગણતરી દુનિયાના સૌથી મોટા વહીવટી તથા સાંખ્યિકીય-સ્ટેટિસ્ટિક્સ કાર્યોમાંની એક છે. વસ્તી, ભાષા તેમજ ભૌગોલિક ભૂભાગની અનેરી વિવિધતા ધરાવતા દેશના વિશાળ વિસ્તારને જોતા વસ્તી ગણતરી કરવી એક પડકારજનક તથા વ્યાપક કાર્ય છે. આગામી સમયમાં ભારતમાં વસ્તી ગણતરી માટે પેપરમોડની સાથે ખાસ મોબાઈલ એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે. Mobile app developed for upcoming census in India

આ માટે આવશ્યક રીતે મોટી સંખ્યામાં વસ્તી ગણતરીકાર-સંગણક કર્મચારીઓની તહેનાતી તથા તેમની તાલીમ સુનિશ્વિત કરવા, સામગ્રીનું મુદ્રણ-છાપકામ કરવા, પ્રગણકો, તેમના નિરીક્ષકોને વિતરિત કરવા, આંકડાઓનું સંગ્રહ, સંકલન, સારિણીકરણ અને અંતે પરિણામ પ્રકાશિત કરવા માટે સાવચેતીપૂર્વક યોજના બનાવવી જરૂરી છે. અખિલ ભારતની વસ્તી ગણતરી પ્રથમ વખત વર્ષ ૧૮૭૨માં કરાઈ હતી;

જ્યારે પ્રથમ દાયકાકીય વસ્તી ગણતરી વર્ષ ૧૮૮૧માં તથા ત્યાર બાદ; વિશ્વ યુદ્ધ, દુષ્કાળ, પ્રાકૃતિક આપત્તિઓ, ચૂંટણી વગેરે હોવા છતાં દરેક દાયકામાં વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. જોકે, વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ની અસર હેઠળ માનવ જાતિ પર વ્યાપક અને અત્યાર સુધી વણસાંભળેલી તેમજ વણજોયેલી વિપત્તિઓ આવી કે જેના કારણે વસ્તી ગણતરી ૨૦૨૧ને માર્ચ ૨૦૨૦માં સ્થગિત કરવી પડી છે.

ભારતની વસ્તી ગણતરીએ સૌપ્રથમ વર્ષ ૧૮૭૧થી પ્રારંભ કરીને વર્ષ ૨૦૨૧-૨૨માં પોતાની પ્રક્રિયાના ૧૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે. ભારતમાં વસ્તી ગણતરીના ૧૫૦ વર્ષ પૂર્ણ થયા તેમજ દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી નિમિત્તે છેલ્લા ૫૦ વર્ષની ભારતની વસ્તી ગણતરીની પ્રક્રિયા પર ‘૧૯૮૧થી ભારતની વસ્તી ગણતરી’ વિષયક એક માહિતીસભર ગ્રંથ પણ ભારતના મહારજીસ્ટાર અને વસ્તી ગણતરી કમિશનર નવી દિલ્હી દ્વારા એપ્રિલ-૨૩માં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

  • વસ્તી ગણતરીની વ્યાખ્યા:

વસ્તી ગણતરી માટે ‘સેન્સસ’ શબ્દ વપરાય છે. જેને લૅટિન ભાષાના ‘સેન્સેર’ શબ્દમાંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ ‘આકારણી કરવી’ અથવા ‘મૂલ્યાંકન કરવું’ થાય છે. તેનો ઇતિહાસ ઈસા પૂર્વ પ્રથમ કે દ્વિતીય સદીનો છે કે જ્યારે રોમમાં મેજિસ્ટ્રેટોને વેરો નાંખવાના ઉદ્દેશે વસ્તી રજિસ્ટર તૈયાર કરવા તેમજ ફરજિયાત સૈન્ય સેવા માટે પુખ્ત વયના પુરુષો આપવાનું નક્કી કરવાની જરૂર રહેતી હતી.

  • વસ્તી ગણતરીની બંધારણમાં જોગવાઇ:

ભારતમાં વસ્તી ગણતરી સંઘના વિષય કલમ ૨૪૬ તરીકે બંધારણની સાતમી અનુસૂચિના ક્રમ નંબર ૬૯ પર સૂચિબદ્ધ છે. સ્વતંત્ર ભારતમાં વસ્તી ગણતરી કરાવવા માટે વસ્તી ગણતરી અધિનયમ, ૧૯૪૮ એક કાયદાકીય આધાર પ્રદાન કરે છે. જોકે વસ્તી ગણતરી અધિનિયમ કેન્દ્રીય કાયદાનો એક દસ્તાવેજ છે, પરંતુ તેના અમલીકરણની યોજનામાં રાજ્ય સરકારો વસ્તી ગણતરીના વાસ્તવિક સંચાલન માટે વહીવટી સહાય પૂરી પાડે છે.

વસ્તી ગણતરી કાર્ય કરવા માટે રાજ્ય સરકારો ખાસ કરીને રાજ્યોમાં દરેક કક્ષાએ એક વસ્તી ગણતરી પદાનુક્રમ સ્થાપિત કરે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ નવી દિલ્હી ખાતે વસ્તી ગણતરી સંગઠન વર્ષ ૧૯૬૧થી કાયમી ધોરણે કામ કરી રહ્યું છે અને દેશમાં ‘વસ્તી ગણતરી કરાવવા’ના કાર્યક્રમનો વિચાર, યોજના તેમજ અમીલકરણ માટે એક મહત્વનું સાતત્ય પ્રદાન કરે છે.

  • વર્ષ ૧૮૭૨ પહેલા ભારતની વસ્તી ગણતરીનો સંક્ષિપ્ત ઇતિહાસ:

હડપ્પા તથા મોહન-જો-દેરોના ખોદકામથી જાણવા મળે છે કે ઈસા પૂર્વે ત્રીજી અને ચોથી સહસ્ત્રાબ્દી સુધી અને કદાચ તેના કરતા બહુ અગાઉથી પણ, ભારતમાં એક અત્યંત વિકસિત સભ્યતા હતી, જેમાં મોટા અને વધુ વસ્તી ધરાવતા શહેરો, સારી રીતે બંધાયેલા ભવનો, મંદિરો તેમજ ઈંટોથી બનેલી જાહેર ઇમારતો  તેમજ ઘણી અન્ય સુવિધાઓ હતી કે જેનો ઉપયોગ તે સમયે મેસોપોટામિયા અને ઇજિપ્તના નાગરિકો દ્વારા કરવામાં આવ્યો હતો.

  • વર્ષ 1872 – 1971 દરમિયાન ભારતીય વસ્તી ગણતરી :

આ દશકના અંતે લૉર્ડ માયો, ગવર્નર જનરલના નેતૃત્વ હેઠળ સાંખ્યિકી (સ્ટેટિસ્ટિક્સ) સંગઠને ખૂબ પ્રગતિ કરી હતી. વર્ષ 1869માં, ડબ્લ્યુ. ડબ્લ્યુ. હંટરને સ્ટેટિસ્ટિક્સ સર્વેના મહાનિયામક નિયુક્ત કરાયા હતા. એચ. બેવર્લી, રજિસ્ટ્રાર જનરલ દ્વારા બંગાળના દક્ષિણ પ્રાંતોની પ્રાયોગિક વસ્તી ગણતરી 1869માં યોજવામાં આવી હતી. 1865માં ભારત સરકાર તથા ગૃહ મંત્રાલય એ સિદ્ધાંત પર સંમત થયા હતાં કે 1871માં એક સામાન્ય વસ્તી ગણતરી કરવામાં આવશે.

1865માં ડબ્લ્યુ. સી. પ્લૉન્ડેન દ્વારા મૉડેલ વસ્તી ગણતરી કાર્યક્રમ તેમજ પ્રશ્નોત્તરી અગાઉ કરતા ખૂબ ગંભીરતાપૂર્વક તૈયાર કરાઇ  હતી. વર્ષ 1867-72 સુધી દેશમાં દરેક વ્યક્તિની જેટલી શક્ય હોય, વાસ્તવિક ગણતરી કરી વસ્તી ગણતરી કરવામાં સમય પસાર થઈ ગયો. આ શ્રેણી કે જેને સામાન્ય રીતે 1872ની વસ્તી ગણતરી તરીકે ઓળખાય છે, તે એક સમકાલિક પરિયોજના નહોતી અને તે અંગ્રેજોનો પ્રભુત્વ ધરાવતા અથવા નિયંત્રિત તમામ વિસ્તારનો પણ સમાવેશ નહોતી કરતી.

  • વર્ષ 1971 બાદ ભારતીય વસ્તી ગણતરી :

1971 બાદ 2011 સુધી દર 10 વર્ષે ચાર વખત વસ્તી ગણતરી કરવામાં આવી છે. જે સમયે વસ્તી ગણતરી 2021ની પ્રાથમિક તૈયારીઓ ગતિમાન હતી અને વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થવાનો હતો, તે જ સમયે કોવિડ-19 રોગચાળો વકર્યો અને તેના કારણે વસ્તી ગણતરીની કામગીરી રોકવાની ફરજ પડી. ભારતમાં વસ્તી ગણતરીનું સ્તર તથા તેના વિકાસને નીચે મુજબના ખંડોમાં માત્રાત્મક આંકડાઓ સાથે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

  • વસ્તીની વિશેષતાઓ

ભારતમાં વસ્તી ગણતરની કામગીરી તેના વિશાળ ભૌગોલિક વિસ્તરણ, વિશાળ વસ્તી આકાર, વિવિધ સાક્ષરતા દર તેમજ છુટાછવાયા શહેરીકરણના કારણે પડકારજનક કાર્ય છે. વર્ષ 1981ની વસ્તી ગણતરીમાં સાક્ષરતા દર 43% નોંધાયો હતો અને 23% વસ્તી શહેરી વિસ્તારોમાં રહેતી હતી; જ્યારે વર્ષ 2011માં વસ્તીનો આકાર વર્ષ 1981ની સરખામણીમાં લગભગ બમણો થઈ ગયો હતો. 1981 અને 2011 વચ્ચે ભારતની વસ્તી વિશેષતાઓમાં ઘણો ફેરફાર આવ્યો છે.

કોષ્ટક : ભારતમાં વસ્તીની વિશેષતા, 1981-2011

વસ્તી ગણતરી વર્ષ પરિવાર

(મિલિયનમાં)

વસ્તી (મિલિયનમાં) સાક્ષરતા દર (ટકા %માં) લિંગ પ્રમાણ

(દર 1000

પુરુષોએ

મહિલાઓની સંખ્યા)

કુલ વસ્તીના ભાગરૂપે શહેરી વસ્તી (ટકા %માં)
1981 118 683 43.1 934 23.1
1991 157 846 51.6 926 25.5
2001 194 1028 64.8 933 27.8
2011 250 1210 73.0 943 31.1
  • વસ્તી ગણતરીમાં પૂછાયેલા પ્રશ્નોની સંખ્યા :

પ્રગણક- વસ્તી ગણતરીકાર દ્વારા વસ્તી ગણતરી દરમિયાન કોઇક પરિવારને પૂછવામાં આવેલા પ્રશ્નોની સંખ્યા તેના આંકડાઓની ગુણવત્તા તથા તેના અંતિમ ઉપયોગ ઉપર પણ અસર નાખે છે. આંકડાઓના ઉપયોગકર્તાઓનું સંમેલન ભારતમાં વસ્તી ગણતરીના અભ્યાસનું એક હૉલમાર્ક રહ્યું છે કે જેમાં વસ્તી ગણતરી કાર્યક્રમ તૈયાર કરતી વખતે આંકડાઓના ઉપયોગકર્તાના વિચારોને ધ્યાનમાં રાખવામાં આવે છે.

એક સમયમર્યાદામાં આંકડાઓની તુલનાત્મક સુસંગતતા જાળવી રાખવા માટે પ્રશ્નમાં અચાનક ફેરફાર ન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આંકડાઓના ઉપયોગકર્તાઓની જરૂરિયાત મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક નવા પ્રશ્નો ઉમેરવામાં આવ્યા છે, કેટલાક પ્રશ્નો હટાવી દેવામાં આવ્યા છે. નીચેના કોષ્ટકમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ વસ્તી ગણતરીઓમાં પૂછાયેલા પ્રશ્નોની સંખ્યા દર્શાવાઇ છે.

કોષ્ટક : વસ્તી ગણતરી, 1981-2021 દરમિયાન પૂછાયેલા/સ્વીકૃત પ્રશ્નોની સંખ્યા

વસ્તી ગણતરી વર્ષ પ્રશ્નોની સંખ્યા
1981 22
1991 23
2001 2૩
2011 29

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.