પેટલાદમાં પાણી ભરાતાં જળબંબાકાર: ઉભરાતી ગટરોને કારણે ફેલાતી ગંદકી
પાણીના નિકાલની અવ્યવસ્થાના કારણે પ્રજા ત્રાહિમામ: પ્રજામાં રોગચાળાની દહેશત
(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ) પેટલાદ, સમગ્ર રાજ્યની સાથે પેટલાદ શહેર અને તાલુકામાં પણ વિધિવત્ ચોમાસું શરૂ થઈ ગયેલ છે. તેમાંય છેલ્લા દશેક દિવસમાં ૧૬ ઈંચ જેટલો વરસાદ થતાં શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા કોઈજ વ્યવસ્થા નહીં હોવાના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે.
ઉપરાંત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી સાથે ગટરના દૂષિત પાણી મળતાં ભારે ગંદકી ફેલાઈ રહી છે. આ ગંદકીને કારણે રોગચાળો ફેલાવવાની દહેશત નગરજનો સેવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા દશેક દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. પેટલાદમાં દર વર્ષે સરેરાશ ૩૩ ઈંચ જેટલો વરસાદ થતો હોય છે. જેની સામે અત્યાર સુધીમાં લગભગ ૧૬ ઈંચ જેટલો વરસાદ તો થઈ ચૂક્યો છે. હજુ મોટાભાગનું ચોમાસું બાકી છે. એટલે સમય જતાં હજી કેટલો વરસાદ પડશે તે ચોક્કસ કહી શકાય તેમ નથી.
પરંતુ અત્યાર? સુધીમાં જે વરસાદ થયો છે તેને લીધે શહેરના પ્રવેશ દ્વારથી લઈ મુખ્ય તમામ રાજમાર્ગોની બંન્ને બાજુ પાણી ભરાઈ ગયા છે. જેને લીધે વાહન ચાલકો તથા રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત સાંઈનાથ રોડ અને શહેરની સોસાયટી વિસ્તારોમાંથી પાણીનો નિકાલ સમયસર નહીં થવાના કારણે ઘૂંટણસમા પાણી ભરાયેલા જાેવા મળે છે.
પેટલાદમાં બસ સ્ટેશન પાસે ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાના કારણે ત્યાં પણ પાણી ભરાઈ રહેવા સાથે અસહ્ય કાદવ કિચડ જાેવા મળે છે. નગરના ગામતળ એવા ખોડીયાર ભાગોળ, ખંભાતી ભાગોળ, મલાવ ભાગોળ સહિતના તમામ વિસ્તારો જળ બંબાકાર જાેવા મળે છે.
વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે કેટલાક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ શરૂ થઈ ગયો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. જેને કારણે નગરજનોમાં રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી હોવાનું જાણવા મળે છે. છતાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની કે સાફ સફાઈની કોઈ જ સંતોષકારક કામગીરી થતી નહીં હોવાનો આક્રોશ પણ નગરજનોમાં ફેલાઈ રહ્યો છે. હાલ પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોવાની વાતો નગરજનોમાં ચર્ચાસ્પદ બનવા પામી છે.