નેશનલ કેડેટ જુડો ચેમ્પિયનશીપમાં વડોદરાના યશ પાટીલે સિલ્વર મેડલ જીત્યો
(માહિતી) વડોદરા, હૈદરબાદમાં યોજાયેલી નેશનલ કેડેટ જુડો ચેમ્પિયન શીપમાં વડોદરા જિલ્લા રમતગમત શાળાના એક વિદ્યાર્થી યશ પાટીલે સિલ્વર મેડલ મેળવ્યો છે.
વડોદરામાંથી કુલ ચાર વિદ્યાર્થીએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બેલ્લારી સ્થિત ઇન્સ્પયાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ ખાતે યોજાયેલી આ ચેમ્પિયનશીપમાં દેશના ૩૧ જુડો ફેડરેશન સંલગ્ન વિવિધ રાજ્યોના કુલ ૨૩૪ યુવાનો અને ૨૨૮ યુવતીઓએ ભાગ લીધો હતો.
તા.૭ થી ૯ સુધી વિવિધ વજન શ્રેણીની સ્પર્ધાઓ ચાલી હતી. જેમાં યશ પાટીલને ૯૦ કિલોથી નીચેની શ્રેણીમાં રજત ચંદ્રક મળ્યો છે. તેઓ હાલમાં પ્રતીક ખત્રી પાસેથી પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓએ યશની સિદ્ધિને બિરદાવી છે.