ડો. બાબાસાહેબ દ્વારા નિર્મિત બંધારણનું પાલન કરીને ગરીબો અને વંચિતોના અનેક ધ્યેયો સિદ્ધ કરીશું
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી રામદાસ અઠાવલેએ અમદાવાદમાં પત્રકાર પરિષદને કરેલું સંબોધન
અમદાવાદ પધારેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી રામદાસ અઠાવલેએ મીડિયા સાથેની વાતચીતમાં વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એનડીએને 2024ની ચૂંટણીમાં 325થી 360 બેઠકો પ્રાપ્ત થશે અને ફરી સરકાર બનાવશે.
કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી રામદાસ અઠાવલેએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ ભારત દેશ આગળ વધી રહ્યો છે, દેશનો વિકાસ કરવા તેમજ જાગૃતિ લાવવા પ્રધાનમંત્રીશ્રીએ અનેક યોજનાઓ વિકસાવી છે અને તેનો લાભ સમાજના દરેક સ્તરને પ્રાપ્ત થયો છે.
તેમણે પ્રધાનમંત્રી જન ધન યોજનાની વાત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત 49.35 કરોડ લોકોના બેન્ક ખાતા ખૂલ્યાં છે, જ્યારે ગુજરાતમાં 1.78 કરોડથી વધારે લોકોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત બેંકો દ્વારા 50 હજારથી 20 લાખ સુધીની લોન દેશના યુવાન ભાઈ બહેનો તેમજ તમામ અન્ય લોકોને આપવામાં આવે છે. જેમાં ભારત દેશમાં 42.20 કરોડ અને ગુજરાતમાં 1.27 કરોડ લોકોને મુદ્રા લોનનો લાભ મળ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ઉજ્જવલા યોજનાની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઉજ્જવલા યોજના અંતર્ગત દેશમાં 9.59 કરોડ અને ગુજરાત રાજ્યમાં 38.43 લાખ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં કરોડો લોકોને પોતાનું ઘર પ્રાપ્ત થયું છે.
મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત યોજનાની વાત કરતા જણાવ્યું હતું કે, આ યોજનામાં પાંચ લાખની મર્યાદા વધારીને 10 લાખ કરવામાં આવી છે અને દેશના કરોડો લોકોને તેનો લાભ મળ્યો છે.
સ્કોલરશીપ યોજના અંગે તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પ્રી-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી ૬૦% અને રાજ્ય સરકાર તરફથી ૪૦% ભંડોળ પૂરું પાડવામાં આવે છે. દેશમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે હર હંમેશ ગરીબો અને વંચિતોના વિકાસના અનેક ધ્યેયો સિદ્ધ કર્યા છે, અને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા નિર્મિત બંધારણનું પાલન કરીને આવનારા સમયમાં અનેક ધ્યેયો સિદ્ધ કરતા રહીશું, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાન નાગરિક ધારો લાગુ પાડીને આ સરકાર દેશની એકતાને વધારે મજબૂત કરવાનું કામ કરી રહી છે. આ કાયદો મુસ્લિમ સમાજ વિરોધી છે, એવો ખોટો પ્રચાર વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આવા મુદ્દે રાજકારણ ન થવું જોઈએ, એવું તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી રામદાસ અઠાવલેના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી અને વિવિધ યોજના અંગે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.