ઈન્ટરવ્યૂ માટે બોલાવી યુવકને માર મારી લૂંટી લેવાયો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ચોરી-લૂંટ- જેવા ગુનાઓ વધી રહ્યા છે. નારણપુરા વિસ્તારમાં રહેતા એક યુવકને ઓનલાઈન જાેબ અપાવવાના નામે ઈન્ટરવ્યુ માટે બોલાવી માર મારી લૂંટારૂ ટોળકીએ લૂંટી લીધો હતો. યુવકની ફરિયાદને આધારે પોલીસે લૂંટારૂ ટોળકીના ૫ ઈસમોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પકડમાં આવેલા આરોપી ઉદિત પંચાલ, મહાવીર પંચાલ ઉર્ફે હુકમ પરમાર, રાહુલ પવાર, અનિલ મકવાણા અને તુષાર ઉર્ફે ગુગો મકવાણાએ મળી નોકરી વાંચ્છુક યુવકને ઈન્ટરવ્યુ આપવાના બહાને બોલાવી લૂંટી લીધો હતો.
સમગ્ર ઘટનાની હકીકત અનુસાર ઘાટલોડિયામાં રહેતો ૩૭ વર્ષીય નરેશ બાબુભાઈ પટેલે ઓનલાઇન બ્લડ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ એપ્લિકેશનના માધ્યમથી નોકરી ઈચ્છુકો નોકરી માટે એકબીજા વ્યક્તિના સંપર્કમાં આવી શકે છે.
આરોપી ઉદિત પંચાલે ફરિયાદી નરેશ પટેલને મેસેજ કર્યો અને નોકરી ઓફર આપી હતી.
જેને લઈ ફરિયાદી નરેશને નારણપુરા એઈસી ચાર રસ્તા પાસે નોકરીના ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો હતો. જે બાદ વૃંદાવન એંક્લોવ કોમ્પ્લેક્ષમાં આરોપી ઉદિત પંચાલ ફરિયાદી નરેશને લઈ ગયો. જ્યાં અન્ય ચાર જેટલા શખ્સો ઉભા હતા અને છરી જેવા હથિયાર બતાવી નરેશની સોનાની ચેઇન અને રોકડ મળી ૬૮ હજાર લૂંટીને ફરાર થઈ ગયા હતા.