“શ્રી” અન્ન (મિલેટ) વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
આઇ.સી.ડી.એસ દસ્ક્રોઇ દ્વારા “શ્રી” અન્ન (મિલેટ) વાનગી સ્પર્ધાની ઉજવણી કરાઈ-મિલેટ વર્ષ અંતર્ગત કરાયું આયોજન
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ – 2 આઇ.સી.ડી.એસ દ્વારા “શ્રી” અન્ન (મિલેટ) વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દસ્ક્રોઈ – 2 ઘટકના તમામ બહેનોએ ભાગ લીધો હતો. ભાગ લીધેલ બહેનોએ વિવિધ વાનગીઓ બનાવી હતી.
જેમાંથી શ્રેષ્ઠ વાનગીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વિજેતા બહેનોની ઘટક કક્ષાએ મિલેટ વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દસ્ક્રોઈ ઘટક-2 માં આવેલ 3 ક્લસ્ટરના તમામ પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ બહેનોએ ભાગ લીધો હતો. જ્યાં હાજર નિરીક્ષકોએ વાનગી ટેસ્ટ લઈ અને વાનગીની પોષણતા અને સજાવટને ધ્યાનમાં રાખી ઘટક કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમાંક આપવામાં આવ્યો હતો. વિજેતા બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે સી.ડી.પી.ઓ (ઈ.ચા.) શ્રીમતી હિનાબેન જી. ઠાકર ધ્વારા “શ્રી” અન્ન (જાડુ ધાન)ના ફાયદા અને ઉપયોગ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દસક્રોઈ તાલુકા વિકાસ અધિકારીશ્રી, આઈ.સી.ડી.એસના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.