Western Times News

Gujarati News

મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ ઈનિશિએટીવમાં ગુજરાતના 5 લાખથી વધુ યુવાનો જોડાયા

વિશ્વ કૌશલ્ય વિકાસ દિવસ: સ્કિલ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ હેઠળ રાજ્યના 4,21,252 યુવાનો મેળવી ચૂક્યા છે તાલીમ,  1,46,994 યુવાનો તાલીમ મેળવી રહ્યા છે

યુવાનોએ મેન્યુફેક્ચરિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ટેક્સટાઇલ,  હોસ્પિટાલિટી અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં મેળવી તાલીમ

15 જુલાઈના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ કૌશલ્ય વિકાસ દિવસ’ ઉજવવામાં આવે છે. વર્ષ 2022-23 માટે વિશ્વ કૌશલ્ય વિકાસ દિવસનું થીમ છે, ‘પરિવર્તનશીલ ભવિષ્ય માટે શિક્ષકો, પ્રશિક્ષકો અને યુવાનોને કૌશલ્યપૂર્ણ બનાવવા’.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશાં યુવાનોના કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે યુવાનોના કૌશલ્ય વિકાસ માટે તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કરવા માટેના પ્રયાસો કર્યા હતા. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના યુવાનોને મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ ઇનિશિએટિવ હેઠળ તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2022-23માં રાજ્યના 5 લાખ યુવાનો મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવમાં જોડાયા છે, જેમાંથી 4,21,252 યુવાનોએ તાલીમ મેળવી છે.

5 લાખના લક્ષ્યાંક સામે ચાલુ વર્ષે 4,21,252 યુવાનોએ મેળવી તાલીમ

મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ ઈનિશીએટીવ દ્વારા યુવાનોમાં રોજગાર ક્ષમતા વધારવા સ્કિલ ડેવલપમેન્ટની વિવિધ યોજનાઓ અમલમાં મૂકતા વિભાગોનું સંકલન કરવામાં આવે છે. આ પહેલના ભાગરૂપે રાજ્યમાં કૌશલ્ય માળખાકીય સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થાય તે માટે  વર્ષ 2022-23 માં 5 લાખ યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવાનો લક્ષ્યાંક વિવિધ વિભાગોને આપવામાં આવ્યો હતો, જેમાંથી  4,21,252 યુવાનોએ વિવિધ વિભાગની કૌશલ્ય પહેલો દ્વારા તાલીમ મેળવી છે. હાલ કુલ 1,46,994 યુવાનો તાલીમ મેળવી રહ્યા છે.

ક્યા વિભાગ દ્વારા કેટલા યુવાનોએ મેળવી કૌશલ્ય વિકાસ તાલીમ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા 3,03,448, શિક્ષણ વિભાગ દ્વારા 18035, ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા 35,963, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 31,430, પંચાયત, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 23,765, આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 5,291 અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 3,320 યુવાનોને તાલીમ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.