કરોડો ખર્ચવા છતાં ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરી માર્ગ પર ઠેરઠેર ખાડા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)(પ્રતિનિધિ) ભરૂચ, સ્ટેચ્યુ ઑફ યુનિટીને જાેડતા અને ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ફોર લેન માર્ગને જાણે કોઈક ગ્રહણ લાગ્યું હોઈ તેમ ગોકળ ગાયની ગતિની પણ હદ વટાવી દીધી છે.તંત્ર દ્વારા અને રાજકીય આગેવાનોના રેલીઓ તથા જાહેર કાર્યક્રમોમાં પોતાના ભાષણોમાં રોડ રસ્તાના વિકાસને લગતી વાતો કરતા તો જાેયા હશે,
પરંતું જયારે તેઓ વાસ્તવિકતા જુએ અને જાણે તો તેઓને પોતાના ભાષણોમાં આપેલા વચનો અને પોતે ઉચ્ચારેલા શબ્દો યાદ કરી શરમ અનુભવે તેવા દ્રશ્યો હાલ ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઑફ યુનિટીને જાેડતા માર્ગના થઈ ગયા છે.
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પાસેના તવડી સુધી અને મુલદ થી નાના સાંજા ફાટક સુધીના માર્ગ ખાડા માર્ગ થઈ જવા પામ્યા છે.ઠેર ઠેર ફોર લેન હાઇવે ખાડા માર્ગ થઈ જતા વાહનચાલકોને હાલાકી ભોગવાનો વારો આવી રહ્યો છે.સમયની બરબાદીની સાથે સાથે વાહનોને ઈંધણમા વધુ ખર્ચ થઈ રહ્યો છે તેમજ વાહનોને મસમોટા ખાડાના કારણે નુકસાન થઈ રહ્યું છે.
માર્ગમાં પડી ગયેલ ખાડામાં પાણી ભરાવાના કારણે બાઈક ચાલકો ખાડામાં પડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી વરસાદ ચાલુ થયો છે તેના પહેલાજ વરસાદમાં ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ સહિત મુલદ થી ગુમાનદેવ ફાટક સુધીના માર્ગમાં મસમોટા ખાડા પડી જતા ભ્રસ્ટાચાર લોકોની આંખે દેખાઈ આવ્યો હતો.આ રોડમા કોઈ જાતનું ડામરનો ઉપયોગ ના થતા માત્ર મેટલ અને કાદવ થી ખાડા પુરવામાં આવી રહ્યા છે.
પરંતુ આ મટીરીયલ માત્ર કલાકમાંજ છુંમંતર થઈ જતું હોઈ છે અને રોડ ઉપર મોટા ચીલા પડી જતા આ ઊપસેલ ભાગ વાહનોના નીચેના ભાગમા અડવાથી વાહનોને નુકશાન પહોચી રહ્યું છે તેમજ પથ્થર સમગ્ર રોડ ઉપર ફેલાય જતા વાહનો સ્લીપ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જાેવા મળ્યું છે.
જેના કારણે વાહન ચાલકો રોન્ગ સાઈડ ઉપર વાહન હંકારવા મજબુર બન્યા છે,ત્યારે સવાલ એ છે કે જાે રોન્ગ સાઈડ વાહન હંકારતા આ દિશામાં કોઈક અકસ્માત થાય અને કોઈકનું મૃત્યુ થાય તો તેનું જવાદાર કોણ? વારંવાર કો્ટ્રાકટર દ્વારા હલકું મટીરીયલ વાપરતા ખાડા પડી જવાથી એકજ સ્થળ ઉપર માટી પુરાણની કામગીરી કરવામાં આવી રહી છે
જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે,આ માર્ગમાં હલકી ગુણવત્તા વાળું કામ કરતા લોકોના ટેક્સના રૂપીયા વેડફાઈ રહ્યા છે ત્યારે આવી કામગીરી બાબતે તંત્રના અધિકારીઓ તપાસ કરશે ખરા કે પછી વાહન ચાલકોને હજુ હાલાકી વેઠવાનો વારો આવશે તે જાેવું રહ્યું.