સ્કૂલવાનમાં બાળકોને મોકલતા હોવ તો વાંચી લો આ કિસ્સો
ભરૂચ – અંક્લેશ્વર વચ્ચે સ્કૂલ વાનનો દરવાજાે ખુલ્લો રાખી રોંગ સાઈડ દોડાવતા ચાલક સામે કાર્યવાહી
(પ્રતિનિધિ)ભરૂચ, અંકલેશ્વર-ભરૂચ રોડ પર રોંગ સાઈડમાં ખૂબ જ ઝડપે ખુલ્લા દરવાજા સાથે સ્કૂલ વાનમાં બાળકો બેઠેલા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ગડખોલ પાટિયાથી ભરૂચ રોડ પર આવેલી સોસાયટી અને કોમ્પલેક્ષ તરફ રોજબરોજ રોંગ સાઈડ દોડતાં વાહનો જાેખમી બની રહ્યા છે.
છાશવારે સર્જાતા અકસ્માત બાદ પૂરપાટ દોડતી બસ,ત્યાર બાદ કારના દરવાજા પર બેસી જાેખમી રીતે પૂરપાટ દોડતી કારની રીલ બાદ હવે રોંગ સાઈડ દોડતી સ્કૂલવાનનો વીડિયો વાયરલ થયો છે.
જેમાં અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી સામ્રાજ્ય સોસાયટી પાસેથી ભારત તરફ રોંગ સાઈડ ભરૂચ તરફ દોડતી એક મારૂતિવાન નજરે પડી હતી.જેના ખુલ્લા દરવાજા સાથે શાળાના વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા.આ મારુતિવાન પૂરપાટ રોંગ સાઈડ આવેલી સોસાયટી અને કોમ્લેક્ષ તરફ જઈ રહી હતી.
આ વાનમાં સ્કૂલના વિદ્યાર્થીઓ હોવાથી તેનો વીડિયો અન્ય વાહનચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કરી વાયરલ કર્યો હતો.જે વીડિયો વાયરલ થતાં જ અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ સુરવાડી બોરભાઠા બેટ ટાવરની બાજુમાં રહેતા ૬૨ વર્ષીય વાન ચાલક ઈશ્વર મંગુભાઈ પટેલને શોધી કાઢ્યો હતો.
તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.આ બાબતે વાનના ચાલકે પોતાની ભૂલ સ્વીકારી રોંગ સાઇડ વાહન નહીં ચલાવવા સાથે વાલીઓની પણ માફી માંગી હતી.