શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજીયાત નહીં : ગુજરાત સરકારનો મોટો નિર્ણય
સુરત:ગુજરાત સરકારનો સૌથી મહત્વનો નિર્ણય શહેરી વિસ્તારોમાં હેલ્મેટને લઈ કરી આ મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાત સહિત દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થયા બાદ દંડની રકમમાં મસમોટો વધારો કરવામાં આવ્યો હતો ટ્રાફિકનાં આ દંડની સમગ્ર ગુજરાતમાં ભારે ટીકા અને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતની રૂપાણી સરકારે ગુજરાતવાસીઓને રાહત આપતાં મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જાહેરાત કરતાં કહ્યું કે, હવે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી.
રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમા આ નિર્ણય લેવાયો હતો.ગુજરાતમાં ટ્રાફિકનાં નવા નિયમો અનુસાર હેલ્મેટ ન પહેરવા પર ૫૦૦ રૂપિયાનો મસમોટો દંડ ફટકારવામાં આવતો હતો. જેના કારણે ગુજરાતવાસીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. અને ઠેર-ઠેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે આજે રૂપાણી સરકારે મોટો નિર્ણય કરતાં શહેરી વિસ્તારો ઉપરાંત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી દીધી છે.
તો ગુજરાત સરકારે આ નિર્ણય કરતાં જ ફરી એકવાર કેન્દ્ર સરકારની સામે ગુજરાત સરકારે નિયમોમાં છૂટછાટ આપી છે. અગાઉ સરકારે અમુક ટ્રાફિક દંડમાં છૂટછાટ આપી હતી. અને હવે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી જ મુક્તિ આપી દીધી છે. ત્યારે કેન્દ્રની મોદી સરકાર ટ્રાફિક એક્સિડેન્ટમાં મોતનો આંકડો ઘટાડવા માટે દંડ લાગુ કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવેલો આ નિયમ સૌ ગુજરાતવાસીઓએ આવકાર્યો હતો.
આજથી રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકામાં ટુ વ્હીલ વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવુ મરજીયાત કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં ટ્રાફિકના નવા નિયમોના લીધે રોજ ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસેથી કરોડો રૂપિયા દંડ પેટે ઉઘરાવતી હતી. વાહન ચાલકોની સમસ્યા અંગે સરકારને વાકેફ કરવામાં આવતા લોકોની સગવડતા અને અગવડતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તાર પૂરતો હેલ્મેટ મરજીયાત કર્યું છે. પરંતુ હાઈવે પર અને ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્મેટ ફરજીયાત રહેશે.