આહવા ખાતે યોજાઈ ‘શ્રીઅન્ન મિલેટ્સ’ વાનગી હરીફાઈ યોજાઈ
(ડાંગ માહિતી)ઃ આહવા, રાષ્ટ્રભરમાં યોજાઈ રહેલા ‘મિલેટ્સ ઈયર’ ના ભાગરૂપે ડાંગ જિલ્લામાં પણ શ્રેણીબદ્ધ કાર્યક્રમો જુદા જુદા વિભાગો દ્વારા યોજાઈ રહ્યા છે. જે મુજબ તાજેતરમાં ડાંગ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. હસ્તકના આહવા ઘટક દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
આ વાનગી સ્પર્ધામાં સેજા કક્ષાએ વિજેતા બનેલા નંબર ૧ થી ૩ ના કુલ ૨૩ વર્કર બહેનોએ ભાગ લીધો હતો. જેમાં વર્કર બહેનો દ્વારા અલગ અલગ મિલેટ્સ આધારીત ન્યુટ્રીશનને લગતી ખાદ્ય સામગ્રી ,લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરી, વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી.
આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ગુંતાબેન પવાર, દ્વિતીય ક્રમે અશ્વિતાબેન ભોઇર, અને ત્રીજા ક્રમે સરલાબેન પૌંજ્યા વિજેતા બન્યા હતા. ત્રણેય વિજેતા બહેનોને પ્રોત્સાહનરૂપે વિવિધ ભેટ એનાયત કરી ઉપસ્થિત અધિકારી, પદાધિકારીઓ દ્વારા મિલેટ્સના મહત્વ વિશે સમજ પુરી આપવામાં આવી હતી.
શ્રી અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈમાં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન શ્રી દિપકભાઈ પીપળે, તાલુકા પંચાયતના માજી પ્રમુખ શ્રી હીરાભાઈ રાઉત, સામાજિક કાર્યકર ગીરીશભાઈ મોદી, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જ્યોત્સના પટેલ સહિત તાલુકા વિકાસ અધિકારીશ્રી, આઈ.સી.ડી.એસ. સ્ટાફ તેમજ જિલ્લા આરોગ્ય (ન્યુટ્રીશન સ્ટાફ )ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.