અમદાવાદમાં આંગડિયા પેઢીનો મોટો ધંધો છે તેવું વિચારીને લુંટારુઓ દિલ્હીથી આવ્યા
‘અમદાવાદની આંગડિયા પેઢીનો બહુ જ મોટો ધંધો છે, એક ચાન્સ લઈએ’
૪૬.પ૧ લાખની લૂંટના કેસમાં આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરી: ટોળકી પહેલી વખત અમદાવાદમાં લૂંટ કરવા માટે આવી હતી
(એજન્સી) અમદાવાદ, અમદાવાદમાં આંગડિયા પેઢીનો બહુ મોટો ધંધો છે તેવું વિચારીને પ્રોફેશનલ લુંટારુઓ દિલ્હીથી આવ્યા અને ૪૬.પ૧ લાખની લૂંટ કરીને નાસી ગયા. લૂંટારુઓ દિલ્હીથી અમદાવાદ કારમાં આવ્યા હતા અને બાદમાં રથયાત્રાના દિવસે બાઈકની ચોરી કરી હતી.
બાઈક ચોરી કરીને તેમણે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પહેલી વખત લૂંટ કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. જેમાં તે સફળ પણ થયા પરંતુ ક્રાઈમ બ્રાંચના જાબાઝ અધિકારીઓએ માત્ર એક મહિનામાં એક પછી એક કડીઓ મેળવીને લુંટારુઓને ઝડપી પાડ્યા છે. પાંચ લુંટારુઓ લૂંટ કરવા માટે આવ્યા હતા.
બાપુનગરમાં થયેલી આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ મામલે ક્રાઈમબ્રાંચે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ત્રણેય લુંટારુઓ દિલ્હીના રહેવાસી છે અને પ્રોફેશનલ લૂંટ કરનાર ગેંગ છે. રથયાત્રા બાદ આરોપીએ બાપુનગર વિસ્તારમાંથી ૪૬.પ૧ લાખની લૂંટ કરી હતી. જેમાંથી ક્રાઈમબ્રાંચે ૬.૮૧ લાખ કબજે કર્યા છે. ક્રાઈમબ્રાંચે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જયારે બે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગત મહિને શહેરના બાપુનગરમાં યોગેશ્વર પાર્કમાં રહેતા આંગડિયા પેઢીના કર્મચારી ૪૬.પ૧ લાખ ભરેલો થેલો લઈને ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે પાર્કિંગમાં ત્રણ શખ્સ બાઈક પર આવ્યા હતા.
જેમણે બંદૂક બતાવીને લૂંટ કરી હતી. લૂંટ કર્યા બાદ લૂટારુઓએ બંદુકથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે શહેરકોટડા પોલીસે લૂંટ અને આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ક્રાઈમબ્રાન્ચે આ મામલે સીટીએમ એકસપ્રેસ હાઈવે પાસેથી રાહુલ ગુપ્તા, ગૌરવ હુડ્ડા, અને સુનીલકુમાર સિંગની ધરપકડ કરી છે. ત્રણેય આરોપી મૂળ દિલ્હીના રહેવાસી છે. ત્રણેય આરોપી પાસેથી પોલીસે લૂંટ કરેલ ૬,૮૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીઓ કુખ્યાત ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તેમની વિરુદ્ધ દિલ્હી સહિત અનેક રાજયોમાં મારામારી, લૂંટ, ચેઈન સ્નેચિંગ, હત્યાની કોશિશ ખંડણી સહિતના અનેક ગુના નોંધાઈ ચુકયા છે.
લુંટારુ ગેેંગના સાગરીતોએ થોડા સમય પહેલાં અમદાવાદની એક આંગડિયા પેઢીમાં રૂપિયા મોકલાવ્યા હતા ત્યારે આંગડિયા પેઢીનો વહીવટ જાેઈને લુંટારુઓએ પ્લાન બનાવ્યો હતો કે બાપુનગરમાં આંગડિયા પેઢીનો બહુ મોટો ધંધો છે એક ચાન્સ લઈએ.’
લુંટારુઓએ તરત લૂંટ કરવાનો પ્લાન બનાવી દીધો અને અમદાવાદ ગાડી લઈને દિલ્હીથી આવી ગયા હતા. ગાડીને અવાવરુ જગ્યા પર પાર્ક કરીને લુંટારુઓએ બાઈક ચોર્યું હતું અને બાદમાં રેકી કરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ક્રાઈમબ્રાંચે હાલ બે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.