કિશોરી ઉત્કર્ષ પહેલ અંતર્ગત ઝઘડિયા તાલુકામાં કિશોરીઓને ગુણાત્મક તાલિમ અપાઈ
તાલુકામાં ૯૫ શિક્ષકોને ગુણાત્મક તાલિમ આપી માસ્ટર ટ્રેનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લામાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કિશોરી ઉત્કર્ષસીએસઆર પહેલ અંતર્ગત ઝઘડિયા તાલુકામાં બેઝ લાઈન સર્વે હાથે ધરીને કુલ ૯૫ શિક્ષકોને ગુણાત્મક તાલીમ આપી “માસ્ટર ટ્રેનર” તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ ટ્રેનરો દ્વારા ઝઘડિયા તાલુકામાં કિશોરીઓની ડોર ટુ ડોર સર્વે કરી તેમની નોંધણી કરીને વિવિધ મોડ્યુલ્સ પર ગુણાત્મક તાલીમ આપવામાં આવી હતી.આ તાલિમ સમયગાળા દરમ્યાન ઉત્તમ પોષણ, યોગ્ય આરોગ્ય અને સ્વચ્છતા,વોટનો અધિકાર, સરકારી યોજનાઓની માહિતી, બાળ સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓની માહિતી વગેરે
બાબતો અંતર્ગત આરોગ્ય શાખા,ઈલેકશન શાખા,સમાજ સુરક્ષા વિભાગ, યુનિસેફ, સ્ત્રી ચિકિત્સક વિગેરેને આમંત્રિત કરીને તાલિમાર્થી કિશોરીઓને વિવિધ તાલિમ આપવામાં આવી હતી.કુલ ચાર મહિનાના તાલિમ સમયગાળા બાદ તમામ કિશોરીઓનું માઈક્રો અને મેક્રોએસેસમેન્ટ્ થકી ઝઘડિયા તાલુકાના પ્રત્યેક ગામદીઠ
એક “ગ્રામ જાગૃત કિશોરી”ની પસંદગી કરવામાં આવી છે.જેમાંથી ૧૨૨ ગ્રામ જાગૃત કિશોરીઓને આદર્શ કિશોરીનું બિરુદ આપવામાં આવ્યું હતું.તેઓ આગામી સમયમાં સમાજની અન્ય કિશોરીઓ માટે આદર્શ બનીને તેઓ પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવે તે માટે સમાજમાં સંદેશાવાહકનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડશે.
કિશોરી ઉત્કર્ષ પહેલ અંતર્ગત ગ્રામ જાગૃત કિશોરીનું બિરુદ પ્રાપ્ત કરેલ કિશોરીઓને તબક્કાવાર ભરૂચની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત માટે આમંત્રિત કરીને તેમણે તલસ્પર્શી માળખાકિય જાણકારી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સમાજને કોઈને કોઈ રીતે મદદરૂપ થવાના અભિગમ સાથે જીલ્લા કલેકટર તુષાર સુમેરા પ્રયત્નશીલ રહેતા હોય છે.અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સામાજિક સુરક્ષાની ચાર યોજનાઓમાં સો ટકા સંતૃપ્તિકરણ માટે ઉત્કર્ષ યોજનાની પ્રશંસા કરવામાં આવી હતી.
કિશોરી ઉત્કર્ષ પણ તે પૈકીનું જ એક સોપાન છે.આ અભિનવ પહેલ સીએસઆર હેઠળ અમલમાં મુકવામાં આવી છે.જેમાં ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશનનો સહયોગ પ્રાપ્ત થયો છે.ભારત કૈર અને યુનિસેફ તેમાં નોલેજ પાર્ટનર તરીકે સાથે જાેડાયા છે. આ ઉપરાંત જીલ્લા શિક્ષણાધિકારી,જીલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ,જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ, આઈસીડીએસ સેલ દ્વારા સમન્વય સાધીને આ પહેલનું સુચારુ અમલીકરણ કરવામાં આવે છે.