Western Times News

Gujarati News

દર ૧૮ વર્ષે ભરાતાં ભાતીગળ મેળામાં અધિક શ્રાવણ માસમાં “નર્મદા સ્નાન”નો અનોખો મહિમા

ભરૂચ તાલુકાના નાંદ ગામની પવિત્ર જાત્રાનો થયેલો પ્રારંભ

(પ્રતિનિધિ)ભરૂચ, પાવન નર્મદા કિનારે આવેલ ભરૂચ તાલુકાના નાંદ ગામની પવિત્ર જાત્રાનો અધિક માસના પ્રથમ દિવસે સાંસદ,ધારાસભ્ય,જીલ્લા વિકાસ અધિકારી, અધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો હતો.

ભરૂચના નાંદ ગામે દર ૧૮ વર્ષે ભરાતાં ભાતીગળ ધાર્મિક મેળામાં નર્મદા સ્નાનનો અનોખો મહિમા રહેલો છે.અધિક શ્રાવણ ના પ્રારંભ સાથે તા.૧૮ જુલાઈ થી ૧૬ ઓગસ્ટ ૨૦૨૩ સુધી નાંદ ગામે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.નાંદ ગામ ખાતે ભરાતો મેળો દર ૧૮ વર્ષ બાદ આવતો હોવાથી ધાર્મિકતાની દ્રષ્ટિએ ધણું જ મહાત્મય ધરાવે છે.

નર્મદા નદીમાં સ્નાનનો અનોખો મહિમા હોવાથી લોકો સ્નાન કરી અધિક માસની જાત્રા કરતા હોય છે. નર્મદા પુરાણ અનુસાર “નંદાહદ” નંદા સરોવરમાં સ્નાન કરવાનો મહિમા છે. આ નાંદ ગામ સાથે નંદરાજાના સાતમા સંતાન નંદ પુત્રી હોવાને કારણે પ્રચલીત છે. નંદાદેવીએ કંસ રાજાના હાથમાંથી છુટી કંસ વધની આગાહી કરી હતી.

તેમણે મહીસાસુર અને તેના જેવા અનેક દૈત્યોનો સાથે દુષ્ટ આત્માઓનો વધ કર્યો હતો. તેથી લાગેલા યાત્રકના નિવારણ અર્થે પવિત્ર એવા નર્મદા કિનારે તેત્રીસ કરોડ દેવતા સહીત સ્નાન તપ કર્યું હતું તેથી આ સ્નાન કરવાની જગ્યાનું નામ“ નંદા હદ” (નંદા સરોવર) પડ્યું અને આ સરોવર પાસે વસેલું ગામ એટલે આજનું નાંદ.

આજ કારણે અહીં અધિક શ્રાવણ ના પ્રારંભ થી એક માસ સુધી સ્નાન કરવાનો અનોખો મહિમા છે. પુરા ભારતના યાત્રા ધામો પૈકી નંદાહદ નંદા સરોવર નાંદ ચોથા નંબરનુ યાત્રાધામ હોવાની પણ માન્યતા પ્રચલિત છે.આ યાત્રામાં ભારતભરમાંથી લોકો આવી સ્નાન કરી ધન્યતા અનુભવે છે.

આ મેળામાં લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જાેશીએ સ્થળ મૂલાકાત કરી આયોજન સંદર્ભે બેઠક યોજી હતી.નાંદ ખાતે વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે અલાયદી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવનાર ભરૂચ વહીવટીતંત્ર દ્વારા નાંદ ગામે મેળાને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે.

આ મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલે પણ મુલાકાત લઈ પોલીસ બંદોબસ્ત અંગેની વ્યવસ્થા અંગે સુચના આપી હતી.રોગચાળો ફાટી ન નિકળે તે માટે જીલ્લા આરોગ્ય તંત્રને પણ તૈનાત કરવામાં આવશે.પાર્કીંગ,મોબાઈલ ટોયલેટ, પીવાના પાણી અને સ્વચ્છતાની જાળવવા માટે ખાસ અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

વધુમાં એસટી વિભાગ દ્વારા યાત્રામાં આવતા યાત્રાળુઓ માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.પ્રતિ કલાકે એક એસ.ટી બસ નબીપુર- સામરોદ થઈ નાંદ ગામ જશે અને અન્ય એક બસ નાંદ ગામથી ઝનોર થઈ ભરૂચ આવશે.

આ પાવન નાંદની જાત્રાનો વિધિવત રીતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,જીલ્લા વિકાસ અધિકારી જાેષી અન્ય અધિકારીઓ, કર્મચારીઓ,ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને સભ્યો સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં નર્મદા મૈયાના પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો હતો.

આમ સમગ્ર અધિક શ્રાવણ માસ દરમ્યાન નાંદ ગામે માં પાવન નર્મદા સ્નાન સાથે દેવ દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટશે અને સમગ્ર માહોલ ભક્તિના રંગે રંગાઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.