જામનગર જિલ્લાનો કંકાવટી ડેમ ઓવર ફ્લો થયો: 3 ગામોને સૂચના અપાઈ
જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે હવામાનમાં પલટો આવ્યો છે અને મેઘરાજાનો ચોથો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સમગ્ર જિલ્લામાં અડધાથી પોણા ત્રણ ઇંચ વરસાદ પડયો છે, જેને લઈને અનેક ડેમોમાં ફરીથી નવા નીર આવ્યા છે. અને આઠ જળાશયો ફરી ઓવરફ્લો થયા છે.
ગઈકાલે મોડી રાતથી જ ધીમીધારે છાંટા શરૂ થયા હતા, ત્યારબાદ આજે વહેલી સવારે ૧૦.૦૦ વાગ્યા થી ૧૧.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. હજુ પણ વરસાદી માહોલ બંધાયેલો છે. જામનગર જિલ્લાનો કંકાવટી ડેમ આજે ઓવર ફ્લો થયો હોવાથી તેના પાટિયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે,
અને ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ફલ્લા, બેરાજા, હડિયાણા ગામ સહિતના ગામોના નાગરિકોને સલામત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે. જામનગર જિલ્લાના ૨૫ ડેમો પૈકી ૮ જળશયોમાં નવા નીર આવવાના કારણે ફરીથી ઓવરફલો થયા છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સાવર્ત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. આ સાથે જ રાજ્યમાં આજે અમદાવાદ સહિત સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેશે.