દેવગઢ બારીયા નગરની શાન સમા ટાવરની દુર્દશા માટે જવાબદાર કોણ?
ટાવરને ચાલુ કરાવવામાં વહીવટદારને રસ જ નથી ઃ ટાવર નીચે આવેલ આઈ લવ દેવગઢ બારિયા લાઈટ વાળું બોર્ડ પણ કેટલા દિવસોથી અડધું બંધ હાલતમાં
(પ્રતિનિધિ) દેવગઢ બારિયા, ભૂતકાળમાં પંચમહાલનું પેરિસ ગણાતું હાલનું દાહોદ જિલ્લાનું દેવગઢબારિયા નગર રાજા મહારાજાઓનું વસાવેલું છે. જેના કારણે રાજવી પરિવાર દ્વારા નગરની સુખાકારી માટે જરૂરી તમામ સાધનો ઊભા કરવામાં આવ્યા હતા.
જે વર્ષો પછી પણ નગરમાં અડીખમ છે. પરંતુ હાલના વહીવટકર્તાઓના ખામી ભર્યા વહીવટને કારણે કેટલાક સાધનો હાલ મરવાના વાંકે જીવતા હોય તે સ્થિતિમાં જાેવા મળી રહ્યા છે. તે સાધનો પૈકીનો નગરમાં વર્ષો પહેલા ઊભો કરેલ ટાવર શહેરની સુંદરતા તો જરૂર વધારતો હતો સાથે સાથે નગરજનોને સમયની સાથે અને ઘડિયાળના ટકોરે ચાલવાની શીખ આપતો હતો.
તે હાલ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં જાેવા મળી રહ્યો છે. અને તે હકીકત નગરપાલિકાના વહીવટદાર પણ સારી રીતે જાણે છે. તો પછી તેની મરામત માટે પાલિકાના વર્તમાન વહીવટદાર પાસે સમય નથી કે પૈસા નથી તે એક વિચાર માગતો કોયડો છે.
દેવગઢ બારીયા નગરની શાન સમો ટાવર બંધ હાલતમાં હોવાથી દેવગઢબારિયા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તેમજ તેમના સાથી નગર સેવકોના સહયોગથી તે ટાવરની ઘડિયાળની મરામત કરાવી ઘડિયાળ ચાલુ કરાવી તથા ટાવરનું રંગરોગાન કરાવી તે ટાવરના કલેવર બદલ્યા હતા.
નગરપાલિકાની ગત બોડીની મુદત પૂરી થયા બાદ પાલિકાના વહીવટની ધુરા વહીવટદારોના હાથમાં સોંપવામાં આવી અને ચૂંટણી કોઈને કોઈ કારણસર ટલ્લે ચડાવવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. સાચવણી કરવા વાળાઓના શાસનની અવધી પૂર્ણ થયા બાદ છેલ્લા કેટલાય દિવસોથી દેવગઢબારિયા નગરની શાન સમો ટાવર પણ બંધ હાલતમાં જાેવા મળી રહ્યો છે.
પરંતુ તે ટાવરને ચાલુ કરાવવામાં વહીવટદારને રસ નથી કે પછી સમય નથી તેવી ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે. આ ટાવર આમ તો ઘણા લાંબા સમયથી બંધ હતો પરંતુ દેવગઢબારિયા નગરનો વિકાસ ઝંખતા અને દેવગઢબારિયા નગરને ફરીવાર પેરિસનું બિરુદ અપાવવા પાલિકાની ગત બોડીના મહિલા પાલિકા પ્રમુખ તેમજ તેમના પતિ તથા તેમની ટીમના અથાગ પ્રયાસો થકી આ ટાવરની મરામતનું કામ હાથ ધરાયું હતું.
અને ટાવરના કલેવર બદલાયા અને ફરીવાર આ ટાવર બારીયા નગર શાન બન્યો હતો. પરંતુ હાલ આ ટાવર પાલિકાના વહીવટદારના લોલમ લોલ વહીવટને કારણે છેલ્લા કેટલાય દિવસોથી બંધ હાલતમાં જાેવા મળી રહ્યો છે અને ટાવર નીચે આપેલ આઈ લવ દેવગઢ બારિયા લાઈટ વાળું બોર્ડ પણ કેટલા દિવસોથી અડધું બંધ હાલતમાં છે. ત્યારે વહીવટદાર ટાવરના કલેવર બદલવાના પ્રયાસો ક્યારે કરશે તે હવે જાેવું રહ્યું ! ! ! ! ! !