ભરૂચમાં ભારે વરસાદના કારણે રોડ-રસ્તા ધોવાયા
નંદેલાવ ઓવર બ્રિજ ઉપર માર્ગ ધોવાતા સળિયા દેખાતા વાહન ચાલકોને અકસ્માતનો ભય
(પ્રતિનિધિ) ભરૂચ, ચોમાસાની સિઝન શરૂ થતાં જ ભરૂચ શહેરના માર્ગો બિસ્માર બનવા સાથે નંદેલાવ ઓવરબ્રિજ પર મોટા ખાડા પડી જતા સળિયા બહાર નીકળી આવતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.જાેકે આ બ્રિજ ઉપરથી રોજના હજારો વાહનો પસાર થયા છે.ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સમારકામ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.
ચોમાસાની સીઝન જામતી છે.ત્યારે વરસાદના કારણે ભરૂચ શહેર અને જીલ્લાના માર્ગો વરસાદી પાણીના કારણે ધોવાઈ જતા માર્ગ ઉપર ખાડોઓએ સામ્રાજ્ય જમાવ્યું છે.શહેરના વિવિધ વિસ્તારના માર્ગો પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.
ત્યારે ભરૂચ શહેરનો પ્રથમ નંદેલાવ ઓવર બ્રીજ પણ અત્યંત ખખડધજ બની ગયો છે.વરસાદની શરૂઆતમાં જ માર્ગ ધોવાઈ જતા તેમાં પડેલાં ખાડાઓ માંથી હવે સળિયા બહાર નિકળી આવ્યા છે.નંદેલાવ બ્રીજ પરથી દહેજ,વિલાયત,સાયખા અને જંબુસર ઓદ્યોગિક વસાહતોમાં રોજના નાના – મોટા વાહનો મળી હજારો વાહનો પસાર થાય છે.
ત્યારે બ્રીજની આ સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું સમારકામ નહિ કરવામાં આવતા તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જાેઈ રહ્યું હોય એવું અહીં દેખાય રહ્યું છે.જર્જરીત બ્રિજ વધુ જર્જરીત બની ગમે ત્યારે ધસી પડવા સાથે વાહનોમાં પંચર થવા સાથે કેટલાય ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની શકે છે તેવો વાહન ચાલકોમાં ભય ઉભો થયો છે.
ત્યારે તંત્ર પણ કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જાેઈ બેઠું હોય તેવી લોકોએ દહેશત વ્યક્ત કરી રહ્યા છે અને સાથે જર્જરીત બ્રિજ ઉપરથી પસાર થતાં વાહનોની ગતિ ધીમી થતા સતત ટ્રાફિકજામની સમસ્યા ઉભી થતી હોય છે.જર્જરીત બની ગયેલા બ્રિજ ઉપરથી અત્યંત ભારે અને ઓવરલોડેડ વાહનો પસાર થઈ રહ્યા છે જેના કારણે નંદેલાવ ઓવરબ્રિજ ગમે ત્યારે ધસી પડે તેઓ ભય ઉભો થયો છે.
બીજી તરફ વિપક્ષી નેતા સમસાદઅલી સૈયદે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાલિકા હોય કે પંચાયતોમાં સમાવિષ્ઠ માર્ગો હોય તમામ માર્ગો વરસાદના પગલે બિસ્માર બન્યા છે અને ખડાઓનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે.તેમજ પોતાના માનીતા કોન્ટ્રાકટરોને ફાયદો પહોંચાડવા માટે કૃત્ય કરે છે.બિસ્માર માર્ગના પગલે વાહન ચાલકો પરેશાન છે
અને પ્રિ મોન્સુન કામગીરીમાં પણ વેઠ ઉતારી લાખો રૂપિયાનું પાણી કરવામાં આવતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા માર્ગો બિસ્માર બને છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસુ આવતા જ માર્ગો બિસ્માર બની જતા હોય છે.જેના પગલે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.તો નંદેલાવ બ્રિજનો ફૂટપાથનો કેટલોક હિસ્સો એક વર્ષ અગાઉ ધરાશાય થતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી.જે બાદ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. પંરતુ હવે તો બ્રિજ પરના માર્ગના સળિયા બહાર આવતા તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જાેઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે.