મિલેટ્સ શક્તિવર્ધક છે -તેના ઉપયોગથી બ્લડપ્રેશર, સ્ટ્રોક, કેન્સરના જોખમો ઘટી શકે છે
શ્રી અન્ન (મિલેટ્સ) -પાટણ જિલ્લા કક્ષાએ શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈ સ્પર્ધા યોજાઈ
“સિંધુખીણની સંસ્કૃતિમાંથી પણ મિલેટ્સ અંગેના પુરાવા મળ્યા હતા”-જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા
ભારતની પરંપરાગત ખેત પેદાશો શ્રી અન્ન (મિલેટ્સ)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માન. વડાપ્રધાનશ્રીની હિમાયતના પગલે સયુંકત રાષ્ટ્રે વર્ષ 2023 ને “આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ” તરીકે ઉજવવાનુ નક્કી થયેલ છે.
જેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં શ્રી અન્ન (મિલેટ્સ) ઉજવણી થઈ રહી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને “મિલેટ્સ વાનગી સ્પર્ધા” નુ આયોજન આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્ર્મની શરૂઆત દીપપ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. આંગણવાડી ના નાનાભૂલકાઓએ જાડા ધાન અંગે એક પાત્રિય અભિનય કર્યો હતો. યુવતીઓ દ્વારા પણ મિલેટ્સ અંગે ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ મિલેટ્સ અનાજમાં બાજરી, રાગી, કોદરા, રાજગરો, જુવાર વગેરેનો સમાવેશ થાય છે. તેઓને મિલેટ્સ અથવા શ્રી અન્ન કહેવામાં આવે છે.
ઉપયોગથી ઘણાબધા રોગો દૂર થાય છે. આજે પાટણ જિલ્લા કક્ષાએ શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈ સ્પર્ધામાં પ્રથમ નંબરે, બીજા નંબરે, ત્રીજા નંબરે આવેલ આંગણવાડી કાર્યકર્તાઓને આકર્ષક ઈનામ પણ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સંબોધતા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાનુમતીબેને જણાવ્યું હતું કે મિલેટ્સએ આપણી પરંપરાગત વાનગીઓનો જ એક ભાગ છે આમા પોષ્ટિક તત્વો પૂરતા પ્રમાણમાં હોય છે તેથી જ માન. પ્રધાનમંત્રીજીના હિમાયતના પગલે સયુંકત રાષ્ટ્રે વર્ષ 2023 ને “આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ” તરીકે ઉજવવાનુ નક્કી થયેલ છે.
જેના લીધે વિદેશમાં પણ પ્રાકૃત્તિક ખેતી આધારીત મિલેટ્સ વાનગીઓની માંગ વધી રહી છે. આજે કહેતા હર્ષની લાગણી થઈ રહી છે કે સિધુખીણની સંસ્કૃતિમાંથી પણ મિલેટ્સ અંગેના પુરાવા મળ્યા હતા. બરછટ ધાન્ય ઘણા જ પ્રાચીન સમયથી ઉગાડવામાં આવે છે. આમ મિલેટ્સ શક્તિવર્ધક છે તેના ઉપયોગથી બ્લડપ્રેશર, સ્ટ્રોક, કેન્સર ના જોખમો ઘટી શકે છે. આજના પ્રસંગે ICDS વિભાગ દ્વારા મિલેટ્સમાંથી સરસ મજાની વાનગી બનાવી તે બદલ હું તેમને ધન્યવાદ આપું છું.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગ કમિશ્નર વ સચિવશ્રી કે.કે.નિરાલાજીએ જણાવ્યું હતું, પાટણમાં આંગણવાડીમાં તમામ પ્રકારની સુવિધાઓ પ્રદાન થાય તે માટે વહીવટી તંત્રને સૂચન કર્યું હતુ. પાટણ જિલ્લામાં કોઈપણ બાળક કુપોષિત ન રહે તે જોવાની જવાબદારી સરકારી તંત્રની સાથે NGO, ધાર્મિક નેતાઓ, સામાજિક સંસ્થાઓની પણ છે.
તેઓ બાળકો સુપોષીત રહે તે માટેના વિચારો ફેલાવવાની સાથે તે દિશામાં કામ કરશે તો જ કાર્ય શક્ય બનશે. આમ સૌના પ્રયાસોને લીધે આપણે “સૌનો સાથ સૌનો વિકાસ” સાથે આગળ વધી શકશું. આજે એક પણ કિશોરી કુપોષિત ના રહે તેવી જવાબદારી લેવી પડશે.
ગુજરાત દરેક બાબતે અગ્રેસર છે ત્યારે બાળકો પણ કુપોષિત મુક્ત થાય એ દિશામાં કામ કરવાની ખાસ જરૂર છે. સચિવશ્રીએ પોતાના ભૂતકાળને પણ યાદ કરતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં કલેક્ટર તરીકે ની સારી કામગીરીના લીધે મને બેસ્ટ કલેક્ટર તરીકેનો એવોર્ડ પણ મળ્યો હતો. હવે સમાજ બાળક , કિશોરી, યુવતી, મહિલાઓ જોડે સવાંદ કરીને સુપોષિત સમાજ બનવાની દિશામાં કામ કરવાની તાકીદ જરૂર છે.
આ પ્રોગ્રામમાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાનુમતિબેન મકવાણા, મહિલા અને બાળ વિકાસ વિભાગ કમિશ્નર વ સચિવશ્રી કે.કે.નિરાલા, પાટણ કલેકટરશ્રી અરવિંદ વિજયન, જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, વિરોધ પક્ષના અશ્વિનભાઈ, રોટરી ક્લબના પ્રમુખ શોઢાજી તેમજ તેમની ટીમ, રીજીઓનલ સાયન્સ સેન્ટરના ડાયરક્ટરશ્રી શાસ્ત્રી જી , સંગઠનનાં હોદ્દેદારો દશરથજી, ભાવેશભાઈ, ICDS અઘિકારીશ્રી ગૌરીબેન સોલંકી તેમજ જિલ્લાના ઉચ્ચ અઘિકારીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.