મણિપુરમાં અત્યાર સુધીમાં છ હજાર FIR દાખલ થઈ- 70 હત્યા
૩ મેના રોજ ફાટી નીકળેલી હિંસા બાદ પોલીસે અત્યાર સુધીમાં ૬૫૭ લોકોને કસ્ટડીમાં લીધા
ઈમ્ફાલ, મણિપુરમાં છેલ્લા કેટલા સમયથી ચાલતી હિંસા હવે ક્રૂરતામાં ફેરવાઈ ગઈ છે. હાલમાં જ વાયરલ થયેલા બે મહિલાઓ સાથેની ક્રૂરતાના વીડિયોએ આ વાત સ્પષ્ટ કરી દીધી છે. આ દરમિયાન એક અહેવાલમાં જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે, ૩ મેના રોજ ફાટી નીકળેલી હિંસાથી અત્યાર સુધીમાં રાજ્યમાં લગભગ ૬ હજાર એફઆઈઆર નોંધાઈ છે.
આ ઉપરાંત લગભગ ૭૦ હત્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજ્યના કેટલાક ધારાસભ્યોનું કહેવું છે કે ઘણી મહિલાઓને દુષ્કર્મનો શિકાર બનાવવામાં આવી હતી. સૂત્રો અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે, પૂર્વોત્તર રાજ્યમાં કુકી વિ. મેતેઈની શરૂઆતથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૬,૦૦૦ કેસ નોંધાયા છે,
જેમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ૭૦ હત્યાના કેસ નોંધાયા છે. ઇમ્ફાલ ખીણ અને આસપાસના પહાડી વિસ્તારોમાંથી પોલીસે અત્યાર સુધીમાં કુલ ૬૫૭ લોકોને કસ્ટડીમાં લીધા હોવાનું કહેવાય છે.
ગઈકાલે સાંજે જ મણિપુર વિધાનસભાના ૧૦ સભ્યોએ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના આંકડા આપ્યા હતા. તેમનો દાવો છે કે, રાજ્યના વિવિધ ભાગોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછી ૫ મહિલાઓની હત્યા કરવામાં આવી છે. આ સાથે ત્રણ મહિલાઓ દુષ્કર્મનો શિકાર બની છે. જાે કે આ દરમિયાન ધારાસભ્યોએ કોઈ માહિતી શેર કરી નથી. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો, જે ૪ મેનો હોવાનું કહેવાય છે.
હાલમાં, સરકારે આ વીડિયોને સોશિયલ પ્લેટફોર્મ પરથી હટાવવાની સૂચના આપી છે. અહેવાલ છે કે લગભગ એક હજાર લોકોની ભીડ બે મહિલાઓ પર પડી હતી, જેમાં એક ૨૦ અને બીજી ૪૦ વર્ષની હતી. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે, ટોળું મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરી રહ્યું છે. એવા આક્ષેપો છે કે, નાની મહિલા પર પણ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં મુખ્ય આરોપી સહિત અત્યાર સુધીમાં ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે.