આધુનીક સુવિધાઓથી સજ્જ આવું હશે રાજકોટનું નવું હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ
રાજકોટ એરપોર્ટ ડીરેક્ટર દિગંત બોરાના જણાવ્યા અનુસાર, એરપોર્ટ ઓર્થોરિટી સાથે આયોજિત વિડીયો કોન્ફરન્સમાં ચેરમેનશ્રી સંજીવકુમાર દ્વારા હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ”રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ” તરીકે નામકરણ કરવામાં આવ્યું હોવાનું જાહેર કરાયું હતું. આથી હવેથી આ એરપોર્ટ ”રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ” તરીકે ઓળખાશે.
એરપોર્ટ ખાતે ઉભા કરાયેલા કલાત્મક ટર્મિનલ બિલ્ડીંગ ખાતે એરાઇવલ અને ડીપાર્ચર સહિતની જગ્યાઓને સાઈનેજીસથી સજ્જ કરી દેવામાં આવ્યું છે. ટર્મિનલમાં સિક્યોરિટી બેરીયર અને ટ્રોલીની સુવિધાઓ ઉપરાંત, વિવિધ ઓફિસો સાધનોથી સજ્જ કરી દેવામાં આવી છે. ઓપરેશન મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા વિવિધ સ્થળોની રેકી કરી લેવામાં આવી છે.
એરપોર્ટ ખાતે જરૂરી સાફસફાઈ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં એરપોર્ટ ઓર્થોરિટીના ચેરમેન સંજીવકુમાર હિરાસર એરપોર્ટની મુલાકાત લઈ ચુક્યા છે. તેમજ ડી.જી.સી.એ. ની ટીમ દ્વારા મુલાકાત લઈ ફાઈનલ ઇન્સ્પેકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૨૭ જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્લેન દ્વારા હિરાસર એરપોર્ટ ખાતે ઉતરાણ કરી રેસકોર્સ મેદાન ખાતે જનસભાને સંબોધન કરશે.