અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંગે જાગૃતિ લાવવા માટે શ્રમિકોને માહિતી આપવામાં આવી
અમદાવાદના વેજલપુર વિસ્તારના મકરબા ગામમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના થકી ભારતીય ટપાલ વિભાગના સહયોગથી સેવા વિતરણ કાર્યક્રમ યોજાયો
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં શ્રમિકોને રૂ. 289 માં પાંચ લાખનો અને રૂ. 499 માં દસ લાખનો આકસ્મિક વીમો મળવાપાત્ર
વેજલપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો લાભ લેવા શ્રમિકોને અપીલ કરી
અમદાવાદની વેજલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકરના હસ્તે મકરબા ગામમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના થકી ભારતીય ટપાલ વિભાગના સહયોગથી સેવા વિતરણ કરવામાં આવ્યું હતું. મકરબા ગામમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંગે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમિતભાઈ ઠાકરે પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના દ્વારા શ્રમિકોની સુરક્ષા માટે લાવવામાં આવેલી આ એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો લાભ ગુજરાતના તમામ શ્રમિકો મેળવી શકે છે. આ યોજનામાં શ્રમિકોને રૂ. 289 માં પાંચ લાખનો અને રૂ. 499 માં દસ લાખનો આકસ્મિક વીમો મળવાપાત્ર છે.
આ ઉપરાંત, મેડિકલ ક્લેમ જેવા અનેક ફાયદા પણ આ યોજનામાં આપવામાં આવે છે. શ્રી અમિતભાઈ ઠાકરે શ્રમિકોને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, આ યોજના શ્રમિકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ સહાયરૂપ યોજના છે.
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંગે જાગૃતિ લાવવા માટે પોસ્ટ ખાતા દ્વારા શ્રમિકોને માહિતી આપવામાં આવી હતી અને તેમને યોજનાનું રજીસ્ટ્રેશન કરાવવામાં મદદ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત પોસ્ટલ રીજીયનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી જે. જી. મકવાણા, અમદાવાદ શહેર ટપાલ વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિંટેન્ડેન્ટ શ્રી એચ. જે. પરીખ અને અમદાવાદ શહેર ટપાલ વિભાગ પાલડી પોસ્ટ ઓફિસમાં કાર્યરત પોસ્ટલ આસિસ્ટન્ટ શ્રી કે. બી. ચાવડા હાજર રહ્યા હતા.