ચાંદલોડિયાના લાલસોટ પાન પાર્લરને સીલ મારી દેવાયું
(એજન્સી) અમદાવાદ, ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તેના નિયમોના ઉલ્લંઘન બદલ કસુરવાર એકમોના ધંધાર્થીઓ પાસેથી આકરો દંડ વસૂલાઈ રહ્યો છે અને આવા એકમોને તાળાં પણ મરાઈ રહ્યા છે
જે હેઠળ ગઈકાલે ચાંદલોડિયાના વંદે માતરમ્ રોડ પરના સેન્ટર પોઈન્ટ ખાતે આવેલા લાલસોટ પાન પાર્લર એન્ડ ટી સ્ટોલને તંત્રએ સીલ મારી દીધું હતું. જાહેર રોડ પર ગંદકી કરતા ધંધાર્થી એકમો તેમજ શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લા, ચાની કીટલી વગેરે સ્થળોએ પેપર કપ સહિત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો સામે તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે.
તંત્રએ ઉત્તર પશ્ચિમ ઝોનમાં આ કાર્યવાહીના ભાગરૂપે ૪૦ એકમોની તપાસ કરી હતી અને નિયમોના ઉલ્લંઘન બદલ ૪૭ નોટિસ ઈસ્યુ કરી પાંચ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ કસૂરવાર ધંધાર્થીઓને રૂ.૩૭,પ૦૦નો દંડ પણ ફટકાર્યો હતો. જયારે ઉત્તર ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કુલ ર૧ એકમોને નોટિસ ફટકારી છે તેમજ આ કસુરવાર એકમોના ધંધાર્થીઓ પાસેથી રૂ.રર,ર૦૦નો દંડ પણ વસુલ્યો હતો.