ગુજરાતના આ તાલુકાના ખેડૂતોને ખાતર માટે પ૦ કિ.મી.ના ધકકા ખાવા પડે છે
બાબરાઃ બાબરા તાલુકામાં છેલ્લા આઠ દિવસથી સતત વરસી ચૂકેલા વરસાદ બાદ ઉભા પાકની તાતી જરૂરીયાત ગણાતા યુરીયા પ્રોડકટરના ખાતર પુરતી માત્રામાં ઉપલબ્ધ નહી થતાં અને ખેડૂતો યુરીયા ખાતર માટે બાબરાથી પ૦ કિમી ગઢડા, બોટાદ, પાળીયાદ,
સુધી ભટકી રહયાના આક્ષેપ સાથે જીલ્લા કોગ્રેસ મહામંત્રી અશોકભાઈ ખાચરે રાજય સરકારની ગેરવ્યવસ્થા અંગે રાજયપાલનું પત્ર દ્વારા ધ્યાન ખેચ્યું છે.
બાબરા પંથક સૌરાષ્ટ્રમાં કપાસ ઉત્પાદન અને મગફળી ઉત્પાદન માટે મોખરે રહે છે. હાલ રાજયમાં વરસાદી આફતમાં ઉભા પાકમાં પાણી લાગવાથી હાલ મોલાત ફેલ થવાના ચિહ્નો વચ્ચે માત્ર રાસાયણીક યુરીયા એમોનીયા ખાતર દ્વારા પાક બચાવી શકાય તેમ છે.
ત્યારે અહીના સરકારી સહકારી અને ખાનગી ખાતર ડેપોમાં પુરતી માત્રામાં ખાતરનો સ્ટોક ન હોવાથી ખેડૂતો ખાતર માટે ભટકી રહયા છે. ખેડૂતો ખાતર મેળવવા નજીકના જસદણ, બોટાદ, મોઢુકા, પાળીયાદ સુધી વહેલી સવવારે પહોચી રહયા છે. છતાં ખાતર ન મળવાથી વાહન ભાડા સહીતના ખર્ચા માથે પડી રહયા છે.