ગાંધીનગરના વડોદરાની સીમમાં જુગાર રમતા ૧ર શખ્સો ઝડપાયા
ડભોડા પોલીસે ૧૭ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ગાંધીનગર, ગાંધીનગર તાલુકાના વડોદરા ગામની સીમમાં જુગાર રમતા ૧ર શખ્સોને ડભોડા પોલીસે ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૧૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.
ડભોડા પોલીસ મથકનો સ્ટાફ ગત રાત્રીના સમયે પેટ્રોલીંગ માટે નીકળ્યા હતા ત્યારે બાતમી મળી હતી કે, વડોદરા ગામની સીમમાં શાળાની સામે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ટોળુુ વળીને પૈસા પાનાથી જુગાર રમી રહ્યા છે. તેના પગલે પોલીસે દરોડો પાડતા કેટલાક ઈસમો લાઈટના અજવાળે જુગાર રમતા નજરે પડયા હતા.
આ તમામને ચારે તરફથી કોર્ડન કરીને પોલીસે ઝડપી લીધા હતા તેમની પુછપરછ કરતા જણાઈ આવ્યું હતું કે જુગાર રમતા શખ્સોમાં કાનાજી ઉર્ફે ગનાજી ઠાકોર, શૈલેષજી કાળાજી ઠાકોર, કિશોરજી જીવણજી ઠાકોર, બાબુજી ગલાજી ઠાકોર, અરવિંદકુમાર નેનાજી, કીરીટજી ઠાકોર, મહોતજી ઠાકોર, ભાથીજી ઠાકોર, મહોબતજી ઠાકોર, બાબુજી ઠાકોર, ભરતસિંહ ઠાકોર અને દિનાજી ઠાકોર (તમામ રહે. વડોદરા)નો સમાવેશ થાય છે.
પોલીસે આ તમામની અંગ ઝડતી લીધી હતી અને દાવ પરથી ૧૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની બદી મોટાપાયે ફુલીફાલી હોવાની ફરિયાદો ઉઠી છે. તેમ છતાં બાતમી મળે ત્યારેજ પોલીસ કાર્યવાહી કરતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
શ્રાવણમાસ નજીક આવી રહ્યો છે તેમ તેમ ખેલીઓએ પણ જુાગરધામો શરૂ કરીને રમાડવાનું શરૂ કરી દીધું છે તો બીજી તરફ પોલીસની જુગારના અડ્ડાઓ પર ઘોંસ વધવા છતાં જુગારીઓ રમવાનું મુકતા નથી.