દુકાન આગળ મિત્રો બેઠા હતા અને અચાનક બુકાનીધારી ટોળકીએ જીવલેણ હુમલો કર્યો
જુના ઝઘડાની અદાવત રાખી આવેલા ૧૦ હુમલાખોર સામે પોલીસ ફરિયાદ
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં દુકાન આગળ બેસી મોબાઈલમાં ગેમ રમતા મિત્રો ઉપર બુકાનીધારી ટોળકીએ પાઈપ, હોકી અને ધોકાજી જીવલેણ હુમલો કરી આતંક મચાવી મુકતા નાસભાગ મચી ગઈ હતી.
આ ઘટનામાં ત્રણ યુવાનોને ઈજા થઈ હતી. તે પૈકી એક યુવકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવ અંગે ફરિયાદના આધારે કલોલ શહેર પોલીસે એસપીજી ગૃપના બે સભ્યો સહિત ૧૦ શખ્સો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે રવિ જગદીશભાઈ રૂપાણી (રહે. લોલના શ્રીનિવાસ એવન્યુ) એ ફરિયાદ નોંધાવી છે તેમાં કરાયેલા ઉલ્લેખ મુજબ બનાવની વિગત એવી છે કે કલોલ મહાલક્ષ્મી હોસ્પિટલની બાજુમાં મયૂરી ફેશનની દુકાનના ઓટલા ઉપર તા.રપમીની રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ રવિ તથા તેના મિત્રો વિક્રમભાઈ દેસાઈ, યશ બારોટ,
હર્ષ બારોટ, બ્રિજેશ સોલંકી, સાજીદ શેખ તથા વિકાસ ભાટિયા બેઠા હતા અને પોતપોતાના મોબાઈલ ફોનમાં ગેમ રમતા હતા તે દરમિયાન વખારિયા ચાર રસ્તા તરફથી એક સફેદ કલરની ગાડી અને કલોલ ત્રણ આગળ સર્કલ તરફથી બે ગાડીઓ ધસી આવી હતી
અને ત્રણેય ગાડીમાંથી ૧૦થી ૧ર જેટલા શખ્સો હાથમાં લોખંડની પાઈપો, હોકી તથા ધોકા લઈને આવ્યા હતા. મોઢે બુઢિમા ટોપી અને રૂમાલ બાંધેલા આ શખ્સો ગેમ રમતા યુવાનો તરફ ધસી આવતા નાસભાગ મચી ગઈ હતી. ત્યારે વિક્રમ દેસાઈ હુમલાખોરોના હાથમાં જતા ટોળકીએ પાઈપ અને બેઝબોલના ધોકા ફટકારવા લાગ્યા હતા જેથી તેણે બૂમાબૂમ કરતા રવિ સહિતના અન્ય મિત્રો વિક્રમને છોડાવવા વચ્ચે પડયા હતા.
તે દરમિયાન ઝપાઝપી થતાં બે શખ્સોની બુઢિયા ટોપી નીકળી જતાં હુમલાખોરો પૈકી બે એસપીજીના સભ્યો હર્ષ નાયણો પટેલ તથા વિનીત ઉર્ફે બોની પટેલ (બંને રહે. કલોલ) જાેવા મળ્યા હતા. એક શખ્સે ધમકી આપી હતી કે આજ પછી તમે એસપીજીવાળા ધમા પટેલનું નામ લેશો તો તમે બધાને જીવતા મુકીશું નહી તેવું કહી તમામ લોકો કારમાં નાસી ગયા હતા.
આ અંગે રવિ રૂપાણીએ નોંધાવેલી ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે એસપીજી ગ્રુપના ધમા પટેલ સાથે અગાઉ મારામારી થઈ હતી તેની અદાવત રાખી દસેક જેટલા અજાણ્યા શખ્સોની ટોળકીએ જીવલેણ હુમલો કર્યો હતો.