આમોદના કાંકરિયા – પુરસા ગામ સંપર્ક વિહોણા બન્યા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદમાં પડેલા વરસાદને કારણે કાંકરિયા તેમજ પુરસા ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.વરસાદને કારણે આમોદ તાલુકાના નીચાણવાળા રોડ ઉપર આવેલા કાંકરિયા-પુરસા રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ગ્રામજનોએ જીવના જાેખમે જીવન જરૂરિયાની વસ્તુઓ લેવા માટે પાણીમાં પગપાળા જ તેમજ સાયકલ, બાઈક કે ટ્રેક્ટર લઈને આમોદ તાલુકા મથકે આવવું પડે છે.ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે રોડ ઉંચો કરવામાં આવે તો બે ગામના લોકોને રાહત થાય તેમ છે.
કાંકરિયા તેમજ પુરસા ગામના વિદ્યાર્થીઓએ પણ પાણીમાં પગપાળા જ આમોદ ભણવા આવવા માટે મજબૂર બન્યા હતા.આ ઉપરાંત કાંકરિયા ગામે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં (આઈ.ટી.આઈ ) પણ વરસાદી પાણી ભરાઈ રહેતા તાલીમી શિક્ષણ મેળવવા જતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને પણ આવવા જવામાં મુશ્કેલી ઉભી થઈ હતી.ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે રોડ ઉંચો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં નહિવત વરસાદ હોવા છતાં આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે કાંકરિયા-પુરસા રોડ ઉપર નીચાણવાળા વિસ્તારમાં હોવાને કારણે તેમજ મછાસરા ગામ પાસે ગેરકાયદેસર મત્સ્ય તળાવો બનેલા હોવાને કારણે આછોદ ખાડી પાસે પાણીનો નિકાલ નહીં થતા પાણી ભરાઈ રહે છે.જેથી કાંકરિયા-પુરસા ગામના લોકોનો હાલાકી વેઠવી પડે છે.