પોલીસે જપ્ત કરેલાં વાહન હરાજીમાં અપાવવાનો વિશ્વાસ કેળવી ચીટીંગ કર્યુ
મહેસાણામાં પોલીસની ખોટી ઓળખ આપી ગઠિયો ૧.૧૧ લાખનું કરી ગયો
મહેસાણા, મહેસાણામાં પોલીસ કર્મી તરીકેની ખોટી ઓળખ આપી મોઢેરા બસ ટર્મિનલના કંટ્રોલર સાથે મિત્રતા કેળવી પોલીસે જપ્ત કરેલાં વાહનો પૈકી હરાજીમાં ગાડી અપાવવાનો વિશ્વાસ આપી ગઠિયો ડિપોઝિટ પેટેની રૂ.૧.૧૧ લાખની રકમ લઈ જઈ ઠગાઈ કરી જતાં હોબાળો મચી જવા પામ્યો હતો.
ગઠિયાએ છેતરપિંડિનો ભોગ બનનારને એસપીના નામથી નાણાં જમા થયા અંગેનો મેસેજ પણ કર્યો હતો. ઉપરોકત ઠગાઈનો ભોગ બનનારે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડી કરનાર શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહેસાણાના રાજકમલ પેટ્રોલપંપ પાછળ આવેલી નિલકંઠ સોસાયટીમાં રહેતા અને મોઢેરા બસ ટર્મિનલમાં કંટ્રોલર તરીકે નોકરી કરતા ઉપેન્દ્રકુમાર અંબાલાલ જયસ્વાલ સાથે પાંચ મહિના અગાઉ તેમની ફરજના સ્થળે પોલીસ જેવા કપડાં પહેરી અને પોતે મહેસાણા પોલીસ હેડ કવાર્ટર ખાતે એએસઆઈ તરીકે નોકરી કરતા હોવાની ઓળખ આપી પાલનપુરથી અપડાઉન કરતા સચીન જે. જાેષી નામના વ્યક્તિએ મિત્રતા કેળવી હતી.
દરમિયાન પોલીસે જપ્ત કરેલાં વાહનોની હરાજી થવાની છે. જાે તમારે ગાડી લેવી હોય તો હું અપાવીશ તેવો વિશ્વાસ આપ્યો હતો. ત્યારે કેટલીક ગાડીના ફોટા પણ તેણે ઉપેન્દ્રભાઈને મોબાઈલમાં બતાવી કિંમત સાથે વોટસએપ કર્યા હતા.
ઉપરોકત વાહન હરાજીથી લેવા ઉપેન્દ્રભાઈએ ઈચ્છા વ્યકત કરતા તેણે રૂ.૧,૧૧,૬૧૦ ડિપોઝીટ પેટે રોકડા માંગ્યા હતા. ત્યારબાદ નાણાં આપ્યાની પહોંચ માંગતા તેણે મહેસાણા જિલ્લા પોલીસ વડાના નામવાળા મથાળાથી રકમ જમા થયેલી હોવાનો મોબાઈલથી મેસેજ મોકલી આપ્યો હતો.
એકાદ મહિના બાદ પણ હરાજી ન થતાં આ શખ્સ ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. આ અંગે ઉપેન્દ્રકુમાર જયસ્વાલે પોલીસ હેડ કવાર્ટર ખાતે તપાસ કરાવતા સચીન જે. જાેષી નામનો કોઈ પોલીસ કર્મી ન હોવાનું જાણવા મળ્યું હતું ત્યારથી આ શખ્સનો કોઈ પત્તો ન લાગતાં ઉપેન્દ્રકુમારે બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ શખ્સ વિરુદ્ધ છેતરપિંડી સહિતના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.