ભવાનીદાદા- સ્વતંત્ર ભારતના સોનેરી સવારની સજીવન સાબિતી
આંખોમાં આઝાદીની સ્મૃતિઓ, ગાંધીજી, સરદાર સાહેબ અને રવિશંકર મહારાજની અનેક શીખ સમાવીને બેઠેલા ૯૬ વર્ષના જવાન
તેમણે અંગ્રેજોની ધરપકડ પણ વહોરી હતી. સરદાર સાહેબના દીકરી મણીબેન સાથે તેમણે જેલવાસ ભોગવ્યો હતો-ભવાનીદાદાએ સ્વતંત્રતા બાદ રાજનીતિને બદલે શિક્ષણ ક્ષેત્ર પસંદ કર્યું.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥
૯૬ વર્ષે શૌર્ય ભર્યા અવાજમાં તેમણે આ શ્લોક ઉચ્ચાર્યો. નવલોહિયા યુવાનને શરમાવે તેવો આ ગર્વિષ્ઠ અવાજ દાયકાઓ પહેલા આઝાદી માટે શૂરાતન ચડાવનારો હતો. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા શ્રી ભવાનીશંકર હરગોવિંદદાસ પંડ્યા ગીતાજીના ઉપરોક્ત શ્લોકને ટાંકીને કહે છે કે,
મુઘલો અને ત્યારપછી અંગ્રેજોના અમાનુષી અત્યાચાર બાદ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને રવિશંકર મહારાજે સદીઓથી પીડાતી ભારતની જનતાને ગુલામીના કાળા કાળમાંથી ઉગારવા માટે જ જન્મ લીધો હતો. મા ભોમની સ્વતંત્રતા માટે આ મહાપુરુષોએ આઝાદીની યજ્ઞ વેદીમાં પોતાની જાતને હોમી દીધી, તેમના આ બલિદાનના પરિણામે જ આજે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ.
અંગ્રેજોની દમનકારી નીતિઓ વિશે જણાવતા તેઓ કહે છે કે, એ વખતે ગુજરાતમાં મબલખ કપાસ થતો પણ તેનું વણાટકામ અંગ્રેજો બ્રિટનમાં કરાવતા અને ભારત અને વિશ્વભરમાં તેને વેંચતા, પૂર્વોત્તરના રાજ્યોમાં ચાની ખેતી કરાવતા અને બ્રિટિશ કંપનીના લેબલિંગ સાથે દુનિયાભરમાં વેંચતા,
દક્ષિણ પ્રદેશોમાંથી સોનાની ખાણો ખોદી સોનેરી ધૂળમાંથી સોનું ગળાવવા બ્રિટન મોકલાતું. આમ, અંગ્રેજોએ આપણા લોકોને આપણી જ માતૃભૂમિમાં મજૂરની જિંદગી આપી હતી. અને ભારત અને ભારતીયોને ખોખલા કરવામાં જરા પણ કચાશ રાખી નહોતી. મેં આ મારી નજરે જોયું છે. એમ તેમણે ઉમેર્યું
ભવાનીદાદાના અંગારા સમાન આ શબ્દો આજે પણ અવિરત પ્રેરણા પૂરી પાડે છે અને આપણી નજર સામે આઝાદી માટેના સંઘર્ષનું તત્કાલીન ચિત્ર ખડું કરે છે. ભવાનીદાદા એટલે આઝાદીની સંઘર્ષભરી કાળરાત્રી અને સ્વતંત્ર ભારતની સોનેરી સવારની સજીવન સાબિતી.
ભવાનીદાદાનો જન્મ ૨૫, મે ૧૯૨૭ના રોજ મહેમદાવાદના સરસવણી ગામે થયો હતો. આ એ જ સરસવણી જે આઝાદીના મુક સૈનિક શ્રી રવિશંકર મહારાજનું જન્મ સ્થાન પણ છે. આમ ગામની માટી અને રવિશંકર મહારાજના પ્રેરક વચનોથી ભવાની દાદાનું બાળપણ સિંચાયું હતું. બાળ ભવાની યુવાન થતા જ રવિશંકર મહારાજ સાથે આઝાદીની લડતમાં જોડાઇ ગયા હતા.
આફ્રિકામાં અંગ્રેજોની રંગભેદની નીતિનો અનુભવ કરીને ભારત પરત ફરેલા ગાંધીજીએ ભારતમાં આઝાદીની આહલેક જગાવી. શ્રી રવિશંકર મહારાજ ગુજરાતમાં આઝાદીની ચળવળની આગેવાની કરી રહ્યા હતા.
ભવાનીદાદાએ પણ આ લડતમાં ઝુકાવ્યું. તેમણે અંગ્રેજોની ધરપકડ પણ વહોરી હતી. સરદાર સાહેબના દીકરી મણીબેન સાથે તેમણે જેલવાસ ભોગવ્યો હતો. આ ઉપરાંત આઝાદ ભારતના પ્રથમ લોકસભા સ્પીકર વાસુદેવ માવલંકર, મોરારજીભાઈ દેસાઈ સાહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે પણ કામ કર્યું હતું.
આઝાદી બાદ ગુજરાત સરકારમાં “ક્લાસ ટુ ઓનરરી મેજિસ્ટ્રેટ” તરીકે દસ વર્ષ સુધી તેમણે સેવા સ્વીકાર્યા બાદ નિવૃત્તિ લીધી. આઝાદીની લડતથી માંડીને સ્વતંત્ર ભારતની પરોઢના સાક્ષી એવા ભવાનીદાદાએ સ્વતંત્રતા બાદ રાજનીતિને બદલે શિક્ષણ ક્ષેત્ર પસંદ કર્યું.
વતનની જ એક શાળામાં પ્રિન્સિપાલ અને ત્યારબાદ અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં નિયામક તરીકે ફરજ બજાવી તેમણે ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણની ચિંતા કરી. આજે જૈફવયે તેઓ પોતાનું સમગ્ર જીવન દેશ અને શિક્ષણ માટે ન્યોછાવર હોવાનું દ્રઢતાપૂર્વક કહી રહ્યા છે.
આઝાદીના અમૃત પર્વે આધુનિક ભારતમાં આનંદિત જીવન વ્યતિત કરતા ૯૬ વર્ષના ભવાનીદાદા આપણી મહામૂલી મૂડી છે જેમનું ઋણ ભારતીય નાગરિક તરીકે આપણા સહુ પર સદાય રહેશે. – વિવેક, પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ