Western Times News

Gujarati News

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ₹ 978 કરોડનો ખર્ચે તૈયાર થઈ રહેલા ‘સિગ્નેચર બ્રીજ’ની 92 ટકા કામગીરી પૂર્ણ

રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. તેમાંથી એક છે, ઓખાથી બેટદ્વારકાને જોડતો ‘સિગ્નેચર બ્રીજ’, જે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

ઓખાથી બેટદ્વારકા જવા માટે અત્યારે ફેરીબોટની મદદથી જવું પડે છે, પરંતુ હવે ₹ 978 કરોડના ખર્ચે આ ‘સિગ્નેચર બ્રીજ’ બનવા જઇ રહ્યો છે. ઓખાથી બેટદ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઇના આ બ્રીજનું નિર્માણ ચાલી રહ્યું છે, જેના માટે દરિયાઇ બાજ ક્રેનથી સમુદ્રમાં 38 પિલર ઊભાં કરવામાં આવ્યાં છે.

માર્ચ 2018માં કામગીરી શરૂ થઇ ત્યારથી આજ દિન સુધીમાં આ બ્રીજની 92 ટકા ભૌતિક કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઓક્ટોબર 2023ના અંત સુધીમાં આ બ્રીજ પૂર્ણ થાય તેવી તૈયારી છે.

વિશેષતાઓ

Ø  બ્રીજની લંબાઇ 2320 મીટર રહેશે, જેમા 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ રહેશે.

Ø  ઓખા અને બેટ દ્વારકા બન્ને બાજુ થઇ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવશે.

Ø  બ્રીજના મુખ્ય ગાળાની લંબાઇ 500 મીટર છે જે ભારત દેશમા સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે.

Ø  વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવામાં આવશે.

Ø  બ્રીજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે.

Ø  આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવશે.

Ø  ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલ થી 1  મેગાવોટ વિજળી નું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રીજ પરની લાઇટીંગ માટે કરવામાં આવશે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે.

Ø  બ્રીજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે  વ્યુ ગેલેરીનું આયોજન કરવામાં આવેલ છે.

Ø  બ્રીજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.