Western Times News

Gujarati News

ATSના અધિકારીઓ વેશપલટો કરી સોની બજારમાં વોચ રાખતા હતા

પ્રતિકાત્મક

રાજકોટમાં અલકાયદાના મોડ્યુલનો પર્દાફાશઃ ૩ની ધરપકડ-પકડાયેલા ત્રણેય આરોપીઓ અલકાયદા માટે ફંડિગ અને યુવકોને આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ કરવા નાપાક પ્રવૃત્તિ કરતા હતા

રાજકોટ, તાજેતરમાં જ અમદાવાદમાંથી અલકાયદા સાથે સંકળાયેલા શખ્સોને એટીએસએ ઝડપી પાડ્યા હતાં. હવે રાજકોટમાં એટીએસએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના સોની બજારમાં કારીગર તરીકે રહેતાં અને અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટના સોની બજારમાં છેલ્લા છ મહિનાથી કારગીર બનીને રહેતાં ત્રણ શખ્સો આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા હોવાની એટીએસને બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતાં શહેરના સોની બજારમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો મુસ્લિમ કારીગરોને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું કામ કરતા હોવાની આશંકા સેવાઈ રહી છે.

એટીએસના ગુપ્ત ઓપરેશનમાં એવું સામે આવ્યું છે કે, આ ત્રણેયને ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા છ મહિનાથી રાજકોટના સોની બજારમાં કારીગર તરીકે કામ કરતાં હતાં. તેમની પાસેથી એટીએસને પિસ્તોલ અને ૧૦ કારતૂસ મળી આવ્યાં છે. આ શખ્સો પશ્ચિમ બંગાળથી રાજકોટ આવ્યાં હતાં.

તે ઉપરાંત તેઓ બાંગ્લાદેશમાંથી ભારતમાં પ્રવેશ્યા હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે. ત્રણ શખ્સોને ઝડપ્યા પહેલા ગુજરાત એટીએસ ગુપ્ત રાહે તપાસ પણ કરી રહી હતી અને ચોક્કસ બાતમી મળતા ત્રણેયને પકડીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટના સોની બજારમાં ત્રણ લોકો આતંકી મોડ્યુલ માટે મદદ કરતા હતા. આ શખસો પાસે ગુજરાતમાં કે અન્ય જગ્યાએ અલકાયદાના સ્લીપર સેલને મદદ કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે હવાલાથી પણ કોઈ ટ્રાન્જેક્શન કર્યા હોવાની વિગત ગુજરાત એટીએસને મળી છે.

તેઓ કઈ જગ્યાએ આતંકી પ્રવૃત્તિ કરવાના હતા અથવા કોઈને મદદ કરી રહ્યા હતા તેની સઘન પૂછપરછ ચાલી રહી છે અને આરોપીઓને અન્ય કઈ જગ્યાએથી મદદ મળી હતી તે અંગે પણ માહિતી એકત્ર કરાઈ રહી છે.

આતંકીઓ મુસ્લિમ કારીગરોને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું કામ કરતા હતા. છેલ્લા છ મહિનાથી રાજકોટમાં કારીગર બનીને રહેતા હતા. જાેકે ગુજરાત એટીએસની સતર્કતાથી આતંકીઓનો પર્દાફાશ થયો હતો. બાંગ્લાદેશી આતંકીઓ પ.બંગાળથી રાજકોટ પહોંચ્યા હતા અને દેશમાં આતંકવાદના મૂળીયા નાંખવા માંગતા હતા.

પકડાયેલા આતંકીઓ અમન, તેનો સાળો અબ્દુલ સુકુર અને સૈફ નવાઝ તદ્દન કટ્ટરપંથી છે. તેમની પાસેથી એક હથિયાર પણ મળી આવ્યું હતું. રાત્રે ૧૧.૪૫ કલાકે એટીએસે ત્રણેયને ઉપાડ્યા હતા. એટીએસની કામગીરીથી સ્થાનિકો પણ અજાણ હતા. પકડાયેલા ત્રણેય આંતકીને અલકાયદાના પ્રસારનું કામ સોંપવામાં આવ્યું હતું.

સ્થાનિકોના કહેવા મુજબ સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો કામ કરે છે. થોડા દિવસ પહેલા ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ગુજરાતમાંથી આઈએસઆઈએસના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતું.

પોરબંદરમાંથી ગુજરાત એટીએસ દ્વારા મહિલા સહિત ચાર લોકોને દબોચી લીધા હતા. આ ચારેય આતંકીઓ આઈએસઆઈએસના સક્રિય ગૃપના સભ્યો હતા. આ લોકો છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. ગુપ્ત બાતમીના આધારે પોરબંદર પહોંચીને ગુજરાત એટીએસએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.

પોરબંદરમાં એટીએસની ટીમ આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે ગુજરાત એન્ટિ ટેરેરીસ્ટ સ્કવોડ દ્વારા આ આઇએસઆઈએસના ચાર આતંકીઓને ઝડપી પાડ્યા હતા. આ ઝડપાયેલા આતંકીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થતો હતો. સુમેરા નામની સુરતની એક મહિલાની પણ આ સંદર્ભે ધરપકડ કરવામાં આવી હતી.

ચારેય આતંકીઓ આઈએશઆઈએસના સક્રિય ગૃપના સભ્યો હતા. એટીએસના દરોડામાં ઘણી પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી હતા. ચારેય આઈએસઆઈએસમાં જાેડાવવા ભાગવાની ફિરાકમાં હતા અને ચારેય આતંકીઓ ૧ વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. સીમા પાર બેઠેલા આકાઓ સાથે પણ તેઓનો સંપર્ક હતો. તેઓ આતંકી આકાઓના ઈશારે કટ્ટરપંથી બન્યા હતા.ે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.