80 રૂપિયામાં શરૂ થયેલ લિજ્જત પાપડનું આજે 1600 કરોડથી વધુનું ટર્નઓવર
લિજ્જત પાપડે ૫૦ હજાર કરતા પણ વધુ મહિલાઓને બનાવી આત્મનિર્ભર -લિજ્જત પાપડની ભારતના ૧૮ રાજ્યોમાં ૮૮ શાખાઓ
1600 કરોડે પહોંચ્યુ મહિલાઓ દ્વારા સંચાલિત લિજ્જત પાપડનું ટર્નઓવર
G20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સ: ‘ઇન્ડિયા@૭૫:મહિલાઓનું યોગદાન’ વિષય પર પ્રદર્શન
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મહિલા સશક્તીકરણ પર G20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ આ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરાવ્યો હતો. જેમાં ‘ઇન્ડિયા@૭૫:મહિલાઓનું યોગદાન’ થીમ આધારિત પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શનમાં મહિલા સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ તરીકે જાણીતા લિજ્જત પાપડનો પણ સ્ટોલ છે.
તમે ટીવીમાં ક્યારેક તો પાપડ ખાઈ રહેલા સસલાવાળી લિજ્જત પાપડની જાહેરાત તો જોઈ જ હશે. લિજ્જત પાપડે હજારો નાગરિકોના દિલમાં રાજ કરવાની સાથે હજારો મહિલાઓને આત્મનિર્ભર પણ બનાવી છે. જસવંતીબેન જમનાદાસ પોપટે માત્ર ૮૦ રૂપિયા અને માત્ર ૭ મહિલાઓની મદદથી લિજ્જત પાપડ કો-ઓપરેટિવની શરૂઆત કરી હતી.
૮૦ રૂપિયા શરૂ થયેલી લિજ્જત પાપડ કો-ઓપરેટિવ આજે ૧૬૦૦ કરોડથી વધુ ટર્નઓવર ઘરાવતી કંપની બની ગઈ છે. વર્ષ ૧૯૫૯માં દક્ષિણ મુંબઈમાં ૭ મહિલાઓએ સાથે મળીને લિજ્જત પાપડનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું હતું. આ મહિલાઓમાં મુખ્ય હતાં જસવંતી જમનાદાસ પોપટ. ગુજરાતીમાં સ્વાદિષ્ટને લિજ્જત કહેવાય છે
માટે આ પાપડનું નામ લિજ્જત રાખવામાં આવ્યું. શરૂઆતમાં તો મહિલાઓ ગુજરાતી હતી પણ પછી બિઝનેસ વધતો ગયો તેમ-તેમ અન્ય મહિલાઓ પણ તેમાં જોડાતી ગઈ અને આજે લિજ્જત પાપડ કો-ઓપરેટિવે ૫૦ હજાર કરતા પણ વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે. .
પ્રથમ વર્ષે પાપડના આ બિઝનેસમાં ૮૦ રુપિયાના રોકાણથી મહિલાઓને ૬૧૯૬ રૂપિયાની કમાણી થઈ હતી. જે આજે ૧૬૦૦ કરોડ રૂપિયાની વેલ્યુને પણ પાર કરી ગયો છે. જસવંતીબેન અને તેમના મિત્રોએ સૌપ્રથમ ૪ પેકેટની બેચ બનાવી એક વેપારીને વેચી. ત્યારે આ કામ ૭ મહિલાઓની ભાગીદારીથી ચાલી રહ્યું હતું.
આ કામ આગળ વધતા તેમના ગ્રુપનું નામ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ રાખવામાં આવ્યું. ૧૯૬૨માં તેનું નામ બદલીને લિજ્જત પાપડ કરવામાં આવ્યું. આ પાપડ ભારતના દરેક ખૂણે વેચાય છે અને તેની ૧૮ રાજ્યોમાં ૮૮ શાખાઓ છે. તે દેશની બહાર અમેરિકા, સિંગાપોર, યુકે, થાઈલેન્ડ અને નેધરલેન્ડ જેવા દેશોમાં પણ વેચાય છે.
લિજ્જત પાપડે સ્ત્રી સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. અત્યારે લિજ્જત પાપડની કો-ઓપરેટિવ મૂવમેન્ટમાં ૫૦ હજારથી પણ વધારે મહિલાઓ છે. જેઓ આ બિઝનેસ ચલાવે છે. આજે પણ લિજ્જત પાપડ મશીનો પર ઓછું અને હાથથી તૈયાર થતા પાપડ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. જેથી મહિલાઓને મદદ થઈ શકે.
લિજ્જત પાપડને વર્ષ ૨૦૦૨માં ઈકોનોમિક ટાઈમ્સનો બિઝનેસ વુમન ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો.થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૬-૧૭માં લિજ્જત પાપડને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મહિલા વિકાસ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.