હરિયાણા: તોફાનીઓને જાેતા જ ગોળી મારી દેવાનો આદેશ
હરિયાણાના નવ જિલ્લા સંવેદનશીલ જાહેર કરાયા-હિંસામાં ૧૦ પોલીસકર્મીઓ સહિત ૬૦થી વધુ લોકો ઘવાયા
(એજન્સી)નૂહ, હરિયાણાના નૂહમાં શોભાયાત્રા પર હુમલાની ઘટના બાદ ભડકેલી કોમી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને ૬ થઈ ચૂકી છે. શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે નૂહમાં કર્ફ્યૂ જાહેર કરાયો છે અને રમખાણકારોને જાેતા જ ગોળી મારી દેવાનો આદેશ અપાયો છે.
હિંસામાં ૧૦ પોલીસકર્મીઓ સહિત ૬૦થી વધુ લોકો ઘવાયા છે. આ સાથે જ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આ મામલે નિવેદન આપતાં કહ્યું કે આ રમખાણો કોઈ મોટા ષડયંત્ર તરફ ઈશારો કરે છે. દોષિતોને છોડીશું નહીં.
આ સાથે જ નૂહમાં ભડકેલી હિંસા બાદ રાજ્યમાં ૯ જિલ્લા ગુરુગ્રામ, ફરીદાબાદ, પલવલ, યમુનાનગર, સોનીપત, પાનીપત અને જિંદને સંવેદનશીલ વિસ્તાર જાહેર કરાયા છે. નૂહમાં સોમવારે ભડકેલી હિંસા બાદથી તણાવની સ્થિતિ જાેવા મળી છે.
આ દરમિયાન હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત સિંહ ચૌટાલાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે અમને શોભાયાત્રામાં કેટલા લોકોની ભીડ સામેલ થવાની છે તેની કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. જેના પગલે આ હિંસા ભડકી હતી. જે લોકો દોષિત ઠરશે તેમને છોડીશું નહીં. સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ છે.
આ દરમિયાન તેમણે લોકોને શાંતિ સ્થાપિત કરવા અપીલ કરી હતી. નૂહ ઉપરાંત ગુરુગ્રામ, ફરીદાબાદ અને પલવલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ તણાવપૂર્ણ રહી હતી. મંગળવારે યમુના નગર અને જિંદદ સહિત કેટલાક સ્થળોએ છૂટાછવાયા બનાવો નોંધાયા હતા. હિંસાને કારણે અત્યાર સુધીમાં બે પોલીસકર્મીઓ સહિત છ લોકોના મોત થયા છે.