ઉન્નતિ વિદ્યાલય તથા બેસ્ટ હાઇસ્કૂલ ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણી : અમદાવાદ જિલ્લો
‘બેટી બચાવો બેટી પઢાવો’ દિવસ નિમિત્તે એવરેસ્ટ સર કરનાર દીકરીનું સન્માન, શાળામાં ચિત્ર તથા મહેંદી સ્પર્ધાનું આયોજન, મહિલાઓ તથા તેમની સુરક્ષાને લગતી વિવિધ યોજનાકીય માહિતીનું પ્રદાન
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમાં આ વર્ષે પણ તા. 1 ઓગસ્ટ, 2023થી 7 ઓગસ્ટ, 2023 સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
નારીશકિત માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની મહિલા અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અમદાવાદ દ્વારા તા. 2 ઓગસ્ટના રોજ ‘બેટી બચાવો બેટી પઢાવો’ દિવસ નિમિતે બહેરામપુરા વિસ્તારની ઉન્નતિ વિદ્યાલયમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉન્નતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજના વિશે માહિતી આપવામા આવી હતી. ‘બેટી બચાવો બેટી પઢાવો’ કાર્યક્રમ અંતર્ગત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર 9 વર્ષની દીકરી સામ્યા પંચાલનુ સન્માન કરવામાં આવ્યું હતું.
ચિત્ર સ્પર્ધા અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરી આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવનાર દીકરીઓને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બેસ્ટ હાઈસ્કૂલમાં ડ્રોપઆઉટ થયેલી વિદ્યાર્થિનીઓ શાળામાં પરત ફરે તે માટે શાળા પ્રયત્નશીલ રહેશે એમ જણાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં હેલ્થ વિભાગ દ્વારા મહિલાઓમા ઝડપથી વધી રહેલ PCOD-પોલિસિસ્ટિક ઓવર ડીસઓર્ડર વિશે માહિતી આપીને આવા કિસ્સામાં શું સાવચેતી રાખવી, તે જણાવવામાં આવ્યું હતું. ગૃહ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા વિશે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી વૃતિકાબહેન વેગડા, હેડ કોન્સ્ટેબલશ્રી અલ્પાબહેન પટેલ તેમજ She ટીમના મિત્તલબહેન અને ડિસ્ટ્રીક્ટ હબ એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW)ની ટીમ, 181 મહિલા અભયમ, ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, હેલ્થ વિભાગ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ, ઉન્નતિ વિદ્યાલયના અને બેસ્ટ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હાજર રહ્યા હતા.