હવે વિદેશમાંથી લેપટોપ, ટેબલેટની આયાત કરી શકાશે નહિંઃ સરકારનો પ્રતિબંધ
સરકાર મેક ઇન ઇન્ડિયા પર ભાર આપી રહી છે: R&D અને વ્યક્તિગત ઉપયોગ વગેરેના હેતુ માટે કન્સાઇનમેન્ટ દીઠ ૨૦ વસ્તુને મુક્તિ
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક્સ સાથે જાેડાયેલી વસ્તુઓ પર મોટો ર્નિણય લીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) અનુસાર, સરકારે લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ ર્નિણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સરકાર મેક ઇન ઇન્ડિયા પર ભાર આપી રહી છે.
મંત્રાલયે કહ્યું કે, આ પ્રતિબંધ સમયાંતરે સુધારેલા સામાન નિયમો હેઠળ આયાત પર લાગુ થશે નહીં. જાે કે, આરએન્ડડીઅને વ્યક્તિગત ઉપયોગ વગેરેના હેતુ માટે કન્સાઇનમેન્ટ દીઠ ૨૦ વસ્તુઓને મુક્તિ આપવામાં આવશે.
આ આયાતને ફક્ત તે આધારે જ મંજૂરી આપવામાં આવશે કે તેનો ઉપયોગ ઉક્ત હેતુઓ માટે કરવામાં આવશે અને તેનું વેચાણ કરવામાં આવશે નહીં.
મળતી માહિતી અનુસાર, એચએસએન ૮૭૪૧ હેઠળ આવતા લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વરની આયાત પ્રતિબંધિત હશે. પ્રતિબંધિત આયાત માટે માન્ય લાયસન્સ સામે તેની આયાતની પરવાનગી આપવામાં આવશે. આ પ્રતિબંધિત સામાન નિયમો હેઠળ આયાત પર લાગુ થશે નહીં.
ઇકોનોમિક થિંક ટેન્ક જીટીઆરઆઇએ ગયા મે મહિનામાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ચીનથી લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર, ઈન્ટિગ્રેટેડ સર્કિટ અને સોલાર સેલ જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓની આયાતમાં ઘટાડો થયો છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ) એ જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની આયાતમાં ઘટાડો એવા પ્રદેશોમાં વધુ થયો છે જ્યાં પીએલઆઈ (પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ) સ્કીમ રજૂ કરવામાં આવી છે. આ સિવાય સોલાર સેલની આયાતમાં ૭૦.૯ ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટરની આયાતમાં ૨૩.૧ ટકા અને મોબાઈલ ફોનની આયાતમાં ૪.૧ ટકાનો ઘટાડો થયો છે.