શિવજી કરૂણાનો અવતાર છે, તે ક્રોધી કે તામસી નથી
શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો પંચમ દિવસ—શ્રી ગોવર્ધનજીની પૂજા-અન્નકૂટ પ્રસાદ લઇ ભક્તો ધન્ય બન્યા
સોમનાથ મહાદેવના સાનિધ્યે હરિ હર ની પાવન ભૂમિ માં ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત કથા ના પાંચમાં દિવસે ભક્તો કથા રસપાન કરી ધન્ય બન્યા હતા. અધિકમાસ માં ચાલી રહેલ આ પાવન કથાનો લાભ સ્થાનિકો સાથે સોમનાથ આવતા યાત્રીઓએ પણ લીધો હતો.
કથા પ્રસંગો-
લોકો સમજે કે શિવજી ક્રોધી છે, તામસી છે પણ શિવજી ક્રોધના તામસના સ્વામી છે, તામસી નથી. શિવજી કરૂણાનો અવતાર છે, તે ક્રોધી નથી. ભગવાન શિવજી જ્યારે શ્રી કૃષ્ણના દર્શને આવે, કેવો ભાવ હોય છે, ભીક્ષા માતા જશોદા ભીક્ષા આપે છે, શ્રી કૃષ્ણ રૂદન કરે અને ભગવાન શિવ પાસે શ્રી કૃષ્ણને લાવે છે.
કૃષ્ણ હસવા લાગે છે અને જશોદામાતા આનંદિત થાય છે. ભગવાન તેઓને શ્રીકૃષ્ણના દર્શન માટે વિનંતી કરે છે. હરિહર એક સ્વરૂપ છે. દ્વારકામાં અશાંતી ફેલાણી, ભગવાન શ્રી કૃષ્ણ યાદવો સાથે સોમનાથ ખાતે યજ્ઞ-યાગાદિ-દાન-દક્ષિણા માટે આવેલ, ભગવાન સોમનાથ પાસે સ્વધામ ગમન ની રજા લઇ તેઓ ભાલકા ગયા ત્યાંથી ગોલોકધામ દેહોત્સર્ગ થી સદેહ મહાપ્રયાણ કરેલ.
ગોવર્ધન પર્વત તથા અન્નકૂટ પ્રસંગ શ્રી મદ્ ભાગવત કથામાં આવેલ, જેમાં આબેહુબ ગોવર્ધન પર્વત, ગૌ માતા, શ્રાવણની લીલોતરી દર્શન કરી સૌ ભક્તો ધન્ય બન્યા હતા. જ્યારે સૌ ઇન્દ્ર દેવ માટે યજ્ઞ કરવા નક્કી કરતા હતા ત્યારે શ્રી કૃષ્ણ કહે કે વરસાદ રજોગુણના પ્રભાવથી આવે છે, આપણે ગોવર્ધન,ગિરિવર,ગૌ,બ્રાહ્મણ ની પૂજા કરવી જોઇએ,
પરિણામે યજ્ઞ સામગ્રીથી વિદ્વાન બ્રાહ્મણોએ ગોવર્ધન ની પૂજા કરાવી છે. દૂધ દહીં ની નદી વહી પ્રસાદનો પહાડ ભરાઈ ગયો, જેથી અન્નકૂટ શબ્દ આવ્યો અન્ન અનાજ અને કુટ એટલે પર્વત. સૌએ પ્રભુને પ્રસાદ લેવા પ્રાર્થના કરી અને ભગવાને આરોગેલ શેષ પ્રસાદ ભક્તો એ લઇ ધન્ય બન્યા હતા.
કથા વિરામમાં ગીર સોમનાથ જીલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે સહિત મહાનુભાવોએ શ્રી ભાગવતજી ના વાંગ્મય સ્વરૂપની આરતી કરી ધન્ય બન્યા હતા, આ પ્રસંગે સૌ મહાનુભાવો નુ શાસ્ત્રી શ્રી શરદભાઈ વ્યાસ દ્વારા ઉપવસ્ત્ર ઓઢાડી સન્માન કર્યું હતું.