અમદાવાદમાં આગામી ૪ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
(એજન્સી)અમદાવાદ, રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જાેવા મળ્યો છે. જ્યારે છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી નહોતી. કેટલાક સ્થળે વરસાદ ધોધમાર હતો તો અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં મેઘરાજા બ્રેક પર હતા.
પરંતુ હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના પ્રદેશોમાં આગામી ૪ દિવસ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. વીજળીના કડાકા ભડાકા સાથે અહીં ધોધમાર વરસાદ પડે એવી આગાહી પણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અત્યારસુદી રાજ્યમાં ૯૨ ટકાથી વધુ વરસાદ તો નોંધાઈ ગયો છે, તેવામાં હજુ આ પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે સૌરાષ્ટ્રમા પણ મધ્યમથી સામાન્ય વરસાદ પડે એવી ધારણા કરાઈ રહી છે. આગામી ૨૪ કલાકમાં અહીં ધોધમાર વરસાદ ખાબકશે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતી કાલ સોમવારથી અહીં ધોધમાર વરસાદ પડી શકે છે. હવે દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામા આવી છે. તો કેટલાક પ્રદેશોમાં આફત બનશે એવું પણ જણાવાયું છે.
હવામાન નિષ્ણાંતોએ મીડિયાને જણાવ્યું છે કે હજુ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન થયું છે. એની સીધી અસર ઓરિસ્સા અને મધ્યપ્રદેશમાં થશે અને ત્યારથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોટાભાગના પ્રદેશોમાં હવે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની વકી જણાઈ રહી છે.
આગામી ૪ દિવસ ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. નોંધનીય છેકે ગત સપ્તાહથી અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. ઠેર ઠેર વાદળો ઘેરાય છે પરંતુ ધોધમાર વરસાદ પડી રહ્યો નથી.
આમ જાેવા જઈએ તો અમદાવાદમાં સમયાંતરે ઝાપટાં પડતા હતા એટલે જ લોકોને બફારાથી રાહત મળતી રહેતી હતી. પરંતુ આગામી ચાર દિવસ અહીં ગાંધીનગર અને અમદાવાદમાં ધોધમાર વરસાદ પડે એવી ધારણા સેવાઈ રહી છે.