Western Times News

Gujarati News

મૂળ સુરેન્દ્રનગરના શહીદ મહિપાલસિંહ વાળાની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરીઃ શહીદ વીરનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે વાતાવરણ ગૂંજ્યું

અમદાવાદ, જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદના વિરાટનગરમાં રહેતા ૨૫ વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા છે. રવિવારે સાંજે શહીદ જવાનનો મૃતદેહ અમદાવાદના એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો.

જ્યાંથી તેઓના મૃતદેહને એરપોર્ટના મેઘાણીનગર ગેટથી બહાર લાવવામાં આવ્યો હતો. જ્યાં શહીદ જવાનના સ્વજનો પણ આવી પહોંચ્યાં હતાં. ત્યારબાદ શહીદ જવાનનો મૃતદેહ તેમના નિવાસસ્થાને લવાયો હતો. શહીદ મહિપાલસિંહના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને તેમનાં ઘરની બહાર ભીડ જમા થઈ હતી

તેમજ રોડ ઉપર બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા આખું અમદાવાદ ઉમટ્યું હતું. ‘ભારત માતા કી જય’ના નારા સાથે માણસોના ટોળે-ટોળા રસ્તા પર જવાનને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં શહીદ વીર જવાનના વિરાટનગર રોડ, ઓઢવ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ શહીદ મહિપાલસિંહને વિરાંજલિ અર્પિત કરવાની સાથે-સાથે તેમના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી હતી.

અહીં નોંધનીય છે કે શ્રીનગરમાં શહીદ થયેલા અમદાવાદના મહિપાલસિંહ વાળાને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. શહીદ જવાનનો પાર્થિવ દેહ અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને લવાયો હતા. જ્યાં મુખ્યમંત્રી સહિત ભાજપના ધારાસભ્ય અમિત શાહ, જગદીશ પંચાલ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા પહોંચ્યા હતાં.

છેલ્લા ૮ વર્ષથી મહિપાલસિંહ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. સૌથી દુઃખદ વાત એ છે કે દેશની રક્ષા માટે શહીદ થનારા જવાન મહિપાલસિંહના પત્ની ગર્ભવતી છે. મહિના પહેલા જ તેમનાં પત્નીનું સીમંત યોજાયું હતું. તેમના ઘરે પારણું બંધાવવાનું છે.

મળતી માહિતી મુજબ, શહીદ જવાન મહિપાલસિંહ વાળા વર્ષ ૨૦૧૬ની આસપાસ ભારતીય સૈન્યમાં જાેડાયા હતા. મધ્યપ્રદેશના જબલપુર ખાતે તેમણે એક વર્ષની ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ તેમનું ગુવાહાટી ખાતે પોસ્ટિંગ થયું હતું. ત્યાં થોડાં વર્ષો ફરજ બજાવ્યા બાદ તેમનું ચંડીગઢમાં પોસ્ટિંગ થયું હતું.

ચંડીગઢથી તેઓની છ મહિના પહેલાં જમ્મુ-કાશ્મીર ખાતે બદલી કરવામાં આવી હતી. ૩૪ રાષ્ટ્રીય રાઈફલમાં તેઓનું પોસ્ટિંગ થયું હતું. શહીદની અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને ભારત માતાકી જય તથા શહીદો અમર રહોનાં નારાં સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. લીલાનગર સ્મશાનગૃહમાં આસામ રાઈફલ દ્વારા શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.