લૂંટ કરવાના ઈરાદે વોચમેનની હત્યા કરનાર આરોપીઓ ઝડપાયા
(એજન્સી)સુરત, સુરતમાં પીસીબી પોલીસની ટીમે બાતમીના આધારે મધ્ય પ્રદેશના જાંબુઆથી આરોપી કેશરીયા મંગલીયા બારિયા, બાબુભાઈ વેસ્તા બારિયા તથા રમુભાઇ વેસ્તા બારિયાને ગામમાં આવતા જ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પકડાયેલા આરોપી કેશરીયાએ
તેમના ગામના બીજા લોકોની સાથે મળી પોતાની કેશરીયા ગેંગ બનાવી ગેંગના માણસો અલગ અલગ શહેરોમાં મજુરી કામે જઈ ત્યાં નવા બાંધકામ વાળી સોસાયટીઓની રેકી કરી એકલ દોકલ મકાનમાં રહેતા લોકોને ટાર્ગેટ કરી ધાડ પાડી લૂંટ ચલાવતા હતા.
વર્ષ ૨૦૧૦માં તેમની ગેંગના સભ્યો કાજુ માંગલીયા બારિયા, બીજીયા શાકરીયા બારીયા તથા રેવાભાઈ તેજાભાઈ બારીયા સુરત ખાતે રહેતા હતા અને તેઓએ રાંદેર મોરાભાગળ સુભાષ ગાર્ડન પાસે નવી બંધાતી સોસાયટી વૈષ્ણવદેવી ટાઉનશીપની રેકી કરી તેમાં ધાડ પાડવાનો પ્લાન ઘડ્યો હતો.
રાત્રીના સમયે ગેંગના ૬ સભ્યો ચડ્ડી બનીયાન પહેરી જીવલેણ હથીયાર સાથે સોસાયટીમાં લૂંટ કરવા જતા ગેટ ઉપર હાજર ગનમેન તેમને જાેઈ જતા તેણે પડકારતા ગેંગના લોકોએ તે વોચમેન ઉપર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં બંદુક તથા મોબાઈલ ફોન લૂંટી ત્યાંથી નાસી ગયા હતા.