Western Times News

Gujarati News

તાપી જિલ્લાના ગુણસદાના ‘એકલ અભિયાન’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ

‘નયા ભારત’ નિર્માણમાં ગુજરાત લીડ લઈ રહી છે ત્યારે  ‘આવો જલાએ દીપ વહાં, જહાં અભિ ભી અંધેરા હે’ ની આહલેક જગાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

વ્યારા ;શુક્રવાર;મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ “નયા ભારત” નિર્માણમાં ગુજરાત રાજ્ય જ્યારે  લીડ લઈ રહ્યું છે ત્યારે, ઠેર ઠેર શિક્ષણના દીપ પ્રગટાવીને દેશને સ્વમાનભેર આગળ વધારવા માટે સૌને સહિયારા પ્રયાસો કરવાની હિમાયત કરી હતી.

‘એકલ અભિયાન’ના ભાવિ કાર્યક્રમોમાં રાજ્ય સરકાર પૂર્ણ સહયોગ પૂરો પાડશે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ “આવો જલાએ દીપ વહાં, જહાં અભિ ભી અંધેરા હે” ની પણ આ વેળા આહલેક જગાવી હતી. ‘એકલ’ જેવી સેવાભાવી અને સમર્પિત સંસ્થાઓની કામગીરીને બિરદાવતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ સામાજિક સંસ્થાઓની મૂક સેવાઓની સરાહના કરતાં તેમને લાખ લાખ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતને ગૌરવાન્વિત કરવા બદલ ‘એકલ’ને અભિનંદન પાઠવતા શ્રી વિજયભાઈ રૂપાણીએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ-સૌના વિકાસની વિભાવનાને સાચા અર્થમાં મૂર્તિમંત કરતાં આવી સેવા ભાવનાઓને કારણે, સામાજિક સમરસતાનું નિર્માણ થઈ રહ્યું છે, તેમ પણ વધુમાં જણાવ્યુ હતું.

તાપી જિલ્લાના ઐતિહાસિક સોનગઢના કિલ્લાનીની ગોદમાં ગુણસદા ખાતે યોજાયેલ ‘એકલ અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતને આંગણે એક લાખમાં ‘એકલ વિદ્યાલય’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ, કેન્દ્ર તથા રાજ્ય સરકારના તમામ સંશાધનો પીડિત, શોષિત અને જરૂરિયાતમંદો માટે સમર્પિત છે તેમ જણાવી આદિજાતિ વિસ્તારો માટે અમલી વિવિધ વિકાસ યોજનાઓનો પણ ખ્યાલ આપ્યો હતો. ગુજરાતનાં આદિવાસી વિસ્તારમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી તથા ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સહિત, આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજના પ્રકલ્પોની પણ આ વેળા તેમણે વિગતો રજૂ કરી હતી.

આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરતાં એક લાખમાં ‘એકલ વિદ્યાલય’એ આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પ્રકૃતિના સંરક્ષણનું કામ કર્યું છે તેમ જણાવતા ગુજરાતના આદિજાતિ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં, આદિવાસી સમાજને ગૌરવાન્વિત કરતાં, આદિવાસીઓના સ્વર્ણિમ ઇતિહાસની ઝાંખી રજૂ કરી હતી.

સામાજિક સમસ્યાઓનો હલ શિક્ષણમાં જ રહેલો છે તેમ જણાવતા શ્રી વસાવાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રજાજનો પાસે, તેમની દીકરીઓને ફરજિયાત શિક્ષણ અપાવવાની ભિક્ષા માંગી હતી, જેના સુફલ આજે સમાજમાં જોઈ શકાય છે તેમ જણાવ્યુ હતું.

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આદિવાસી સમાજના સર્વાંગીણ ઉત્કર્સ માટે, પેસા એક્ટમાં સુધારા સહિતના અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે તેમ જણાવી, આદિવાસી હિતકારી નિર્ણયો અને કાર્યોની જાણકારી પૂરી પાડી હતી. ગુણસદા ખાતે આયોજિત એક લાખમાં ‘એકલ વિદ્યાલય’ના આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમો રજૂ કરી, ઉપસ્થિત શ્રોતાઓને ડોલાવ્યા હતા. અહી ‘એકલ અભિયાન’ના વિવિધ આયામોની પણ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે રજૂઆત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોએ ‘એકલ ઓન વ્હીલ’ અને ‘હરિ રથ મંદિર’નું પણ આ વેળા પ્રસ્થાન કરાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, દસ જેટલા કોમ્પુટરોથી સજ્જ ‘એકલ ઓન વ્હીલ’ અંતરિયાળ ગામડાઓમાં જઈને,‘એકલ અભિયાન’ની જાણકારી પૂરી પાડવા સાથે, કોમ્પ્યુટર શિક્ષણ માટે પણ ભાવિ પેઢીને પ્રોત્સાહિત કરશે. જ્યારે ‘હરિ રથ મંદિર’ ગામડે ગામડે જઈને ભારતીય સંસ્કારોનું સિંચન કરી, રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોના પ્રસંગોને પ્રસ્તુત કરશે.

‘એકલ અભિયાન’ના સુરત ચેપ્ટરના કાર્યકર શ્રી વિનોદ અગ્રવાલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે સંસ્થાપક શ્રી શ્યામજી ગુપ્ત એ ચિંતનીય વક્તવ્ય રજૂ કર્યું હતું.  શિક્ષિત ભારત, સ્વસ્થ ભારત, અને સમર્થ ભારત નિર્માણની દિશામાં કાર્ય કરતાં ‘એકલ અભિયાન’ના આ કાર્યક્રમમાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયા, સુમુલના ચેરમેન શ્રી રાજુભાઇ પાઠક, સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન ચૌધરી, સુરતના રેન્જ આઇ.જી., તાપી કલેક્ટર શ્રી આર.જે.હાલાની, જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘ તથા ‘એકલ’ સાથે સંકળાયેલા સમાજ શ્રેસ્ઠીઓ, દાતાઓ, કર્મઠ કાર્યકરો, સ્વયંસેવકો વિગેરે એ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.