દીકરાથી ત્રસ્ત માતાને પોતાના મકાનમાં રહેવાનાં ફાંફાં
મહિલાએ આખરે ગૃહમંત્રીની ઓફીસમાં જઈ ફરીયાદ કરી
(એજન્સી)અમદાવાદ, માથાભારે દીકરાથી પરેશાન માતાને પોતાના જ મકાનમાં રહેવાના ફાંફા થયા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અસારવાની જરીવાલા ચાલીમાં રહેતા મધુબેન ચૌહાણ પતીના મૃત્યુ બાદ મોટા દીકરા સાથે રહેવા ગયા હતા. તેમણે અસારવાવાળું મકાન ભાડે આપી દીધું હતું.
બાદમાં આ મકાનમાં નાનો દીકરો નિર્મળ અને તેની પત્ની નીલમ ગેરકાયદે રીતે ઘુસી ગયા હતા. વિધવા જનેતાએ તેનો વિરોધ કરતાં નાનો પુત્ર ધાકધમકી આપી રહયો છે. આ મામલે વિધવા જનેતાએ ગાંધીનગર જઈને ગૃહમંત્રીની ઓફીસમાં જ ફરીયાદ કરી દીધી હતી.આ કિસ્સાની વિગત એવી છે કે અસારવા જરીવાલી ચાલીમાં રહેતા મધુબેન અશોકભાઈ ચૌહાણના નાના પુત્ર નિર્મળે પરીવારમાં કાકી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા.
તેથી તેણે પરીવારથી અલગ અલગ કરી દેવામાં આવ્યો હતો. મધુબેન પતી અશોકભાઈનું મોત થતાં સરસપુરમાં રહેતા પુત્ર ધર્મેશનાં ઘરે રહેવા જતા રહયા હતા. તેમણે અસારવાનું બે માળનું મકાન ભાડે આપી દીધું હતું. મધુબેનનો આક્ષેપ છે કે જાન્યુઆરી મહીનામાં નાના પુત્રે મધુબેને જે મકાન ભાડે આપ્યું હતું. તે ભાડુઆતને ડરાવી મકાન ખાલી કરાવી ઉપરના માળે રહેવાનું શરૂ કરી દીધું હતું.
માતાએ વિરોધ કર્યા પરંતુ પુત્રે જુલાઈ માસમાં નીચે રહેતા ભાડુઆતને પણ રવાના કરી આખુ મકાન પોતાના કબજામાં લઈ લીધું આ બાબતથી વ્યથિત માતાએ ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીની ઓફીસે પહોચી જઈ પોતાની વ્યથા રજુ કરી હતી. ગૃહમંત્રીના કાર્યાલયથી તેમને ન્યાય મળશે તેવી ખાતરી આપવામાં આવી છે.