નર્મદા ડેમ ૧૩૧ મીટર નજીક પહોંચતા લોકોમાં ખુશી
નર્મદા, ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ૧૩૧ મીટરને નજીક પહોંચી ગઇ છે. હવે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૩૦.૯૮ મીટરે પહોંચી ગઇ છે. આપને જણાવીએ કે, ૨૪ કલાકમાં ડેમની જળ સપાટીમાં ૧૫ સેમીનો વધારો થયો છે.
જ્યારે રાજ્યમાં સાવર્ત્રિક વરસાદને કારણે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૬૫ જળાશયો હાઇ એલર્ટ પર છે. આજે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૦.૯૮ મીટરે નોંધાઈ છે. આ ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. આ ડેમને મહત્તમ ભરાવવામાં હજી થોડા જ મીટરની વાર છે.
હાલ પાણીની આવક ૨૨,૧૧૯ ક્યુસેક નોંધાઇ છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક ૫૨,૦૨૫ ક્યૂસેક થઇ છે. જ્યારે રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં ૪૪,૩૫૬ ક્યૂસેક પાણીની જાવક થઇ છે.
૨૪ કલાકમાં સપાટીમાં ૧૫ સે.મી.નો વધારો થયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સોમવારે મળેલા અહેવાલો પ્રમાણે, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૯.૮૩ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૩૫.૮૦, સૌરાષ્ટ્રમાં ૧૦૯.૪૬ ટકા ઉત્તર ગુજરાતમાં ૬૬.૮૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૦.૫૦ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૩.૪૭ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૨.૨૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૫૧,૧૮૪ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૭૫.૧૯ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૧.૧૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૧૮.૯૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૨.૩૭ ટકા, કચ્છ ઝોનના ૨૦ જળાશયોમાં ૬૬.૨૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૮૩.૭૦ ટકા જળસંગ્રહ થયો છે.SS1MS