ખેડબ્રહ્માથી આબુરોડ સુધી બાયપાસ 2024 સુધીમાં તૈયાર થઈ જશે
પાલનપુર, જગત જનની મા અંબાના ધામ અંબાજીમાં ખેડબ્રહ્મા હાઈવેથી આબુરોડ હાઈવે તરફ જવા આવતા વર્ષે ભાદરવી પૂનમના મેળા દરમિયાન નવા બાયપાસની ભેટ મળી જશે.
હાલ જંગલ વિસ્તારના પાંચ કિ.મી.ના પહાડ પૈકી ચાર કિ.મી.નો પહાડ ખોદી દેવાયો છે કેટલીક જગ્યાએ પહાડ તોડવા બ્લાસ્ટિંગની મંજૂરી મળી નથી. જે બાદ કામગીરી વધુ ઝડપથી આગળ વધશે. શક્યતા છે કે જુન ર૦ર૪ સુધીમાં બાયપાસનું કામ પૂર્ણ થઈ જશે.
પાછલા કેટલાય વર્ષોથી અંબાજીમાં બાયપાસ બને તેવી માંગ ઉઠતી રહી હતી જે બાદ ગુજરાત સરકાર એ બાયપાસ મંજૂર કરી દીધો હતો જે બાદ અંબાજી ગામની પાછળ જંગલ વિસ્તારમાં ૧૦ મીટર પહોળા ટુ લેન બાયપાસની કામગીરી ૧ર૪.૪૦ કરોડના ખર્ચે જુલાઈ ર૦રરમાં શરૂ કરાઈ હતી
જેનું કામ હાલ યુદ્ધના ધોરણે જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું છે. પાલનપુર માર્ગ અને મકાન વિભાગના સુત્રોએ જણાવ્યું કે પ.૩ કિ.મી.ની લંબાઈ ધરાવતા અંબાજી બાયપાસ પ્રોજેકટની કામગીરી ભૂજની એજન્સી કે.કે. સોરઠીયા દ્વારા કરાઈ રહી છે. આવતા વર્ષે ૩૦ એપ્રિલે કામ પૂર્ણ કરવાની સમય સીમા રાખવામાં આવી છે.
શક્યતા છેકે જૂન ર૦ર૪ સુધીમાં કામ પૂર્ણ થઈ જશે એટલે આવતા ભાદરવા પૂનમના મેળામાં નવા બાયપાસની ભેટ મળી જશે.