Western Times News

Gujarati News

વશની હિન્દી રિમેકનું લંડનમાં પૂરું થયું શૂટિંગ

મુંબઈ, આજકાલ બોલિવુડમાં રિમેક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હોલિવુડ અને સાઉથની ફિલ્મોની હિન્દી રિમેક તો બનતી આવે છે પરંતુ હવે ગુજરાતી ફિલ્મ પરથી હિન્દી ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક બનવા જઈ રહી છે એવા સમાચાર થોડા મહિના પહેલા આવ્યા હતા.

હવે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. હિન્દી રિમેક ‘વશ’ની ટીમે લંડનમાં શૂટિંગ પૂરું કર્યું છે. લંડનમાં શૂટિંગ પતાવીને ફિલ્મની ટીમ ત્રણ દિવસ પહેલા જ ભારત પાછી આવી છે. ફિલ્મની વાર્તાને આંતરરાષ્ટ્રીય ટચ આપવા માટે તેમજ દર્શકોને તાજાે અને સુખદ અનુભવ પૂરો પાડવા માટે લંડનમાં શૂટિંગ કરવામાં આવ્યું છે.

લંડનના સુંદર નજારા ફિલ્મના ઓવરઓલ સિનેમેટિક એક્સપીરિયન્સને યાદગાર બનાવશે તેવી ગણતરી ફિલ્મ મેકર્સની છે. ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક બનશે એ વાતની જાહેરાત થયાના મહિનાઓ પછી લંડનમાં તેનું શૂટિંગ શિડ્યુલ પૂરું થયું હોવાની વાતને એક મહત્વનો માઈલસ્ટોન ગણી શકાય.

હવે ફેન્સ આતુરતાથી આ ફિલ્મનું સમગ્ર શૂટિંગ ક્યારે પૂરું થાય અને ત્યારે તેને મોટા પડદા પર જાેઈ શકે તેની રાહ જાેઈ રહ્યા છે. હિન્દી ફિલ્મ ‘વશ’ દ્વારા ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા બોલિવુડમાં ડેબ્યૂ કરી રહી છે. આ સાથે જ ફિલ્મમાં અજય દેવગણ, આર. માધવન, જ્યોતિકા વગેરે જેવા કલાકારો છે.

લંડન સિવાય મસૂરી અને મુંબઈમાં પણ આ ફિલ્મનું શૂટિંગ થવાનું છે. ગુજરાતી ફિલ્મ ‘વશ’ની વાત કરીએ તો, તેમાં હિતેન કુમાર, હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા, નિલમ પંચાલ અને આર્યન સંઘવી લીડ રોલમાં હતા. આ ફિલ્મ એવા સુખી અને હસતા-રમતા પરિવારની છે જેઓ કાળા જાદુ અને નકારાત્મક ઉર્જાના ચક્કરમાં ફસાઈ જાય છે.

આ ફિલ્મનું ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યું હતું. જાનકી બોડીવાલાની વાત કરીએ તો તેણે ‘તંબુરો’, ‘છૂટી જશે છક્કા’, ‘બહુ ના વિચાર’, ‘નાડીદોષ’ વગેરે જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તે અજય દેવગણ અને આર. માધવન જેવા દિગ્ગજ કલાકારો સાથેની ફિલ્મ થકી બોલિવુડમાં ડગ માંડવા જઈ રહી છે. જાનકીએ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.