Western Times News

Gujarati News

રાજ્યમાં નવા મતદાર તરીકે નોંધણી માટે 1.49 લાખથી વધુ ફોર્મ મેળવવામાં આવ્યા

election card

મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા તથા નવા મતદારોને સમયસર મતાધિકાર મળે તે માટે બુથ લેવલ ઑફિસર્સ દ્વારા અસરકારક કામગીરી

ભારતના ચૂંટણી પંચની સુચના અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2024 શરૂ થાય તે પૂર્વે તા.21 જુલાઈથી રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલા હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.

જે અંતર્ગત મતદાર તરીકે નોંધણી કરાવવા 1.49 લાખથી વધુ ફોર્મ નં.06 જ્યારે મતદારોની સરનામા સહિતની વિગતોમાં સુધારો કરાવવા 2.51 લાખથી વધુ ફોર્મ નં.08 મેળવવામાં આવ્યા છે.

લોકતંત્રમાં નાગરિકોને મળેલો મતાધિકાર સૌથી મહત્વપૂર્ણ અને પાયાની બાબત છે ત્યારે પાત્રતા ધરાવતા તમામ મતદારોનું નામ મતદારયાદીમાં સમાવિષ્ટ હોય તે આવશ્યક છે.

બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સ દ્વારા ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2024 શરૂ થાય તે પૂર્વે તા.21 જુલાઈથી તા.21 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવામાં આવ્યો છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકેની લાયકાતની તારીખમાં સુધારો કરવામાં આવતા હવેથી વર્ષમાં ચાર વાર મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવાની તક મળે છે ત્યારે હાઉસ ટુ હાઉસ સરવે દરમ્યાન મતદારયાદીમાં નામ નોંધણી માટેના રાજ્યભરમાં કુલ 1.49 લાખથી વધુ ફોર્મ નં.06 મેળવવામાં આવ્યા છે. જેની ચકાસણી બાદ નિયમાનુસાર ચકાસણી બાદ નવા મતદારોનું નામ મતદારયાદીમાં ઉમેરવામાં આવશે.

ક્ષતિરહિત મતદારયાદી માટે સૌથી અગત્યની બાબત જેવી કે એક જ મતદારના એકથી વધુ મતવિસ્તારની મતદારયાદીમાં ચાલતા નામ, કાયમી સ્થળાંતર કે મૃત્યુના કિસ્સામાં મતદારયાદીમાંથી નામ કમી કરવા અંગે રાજ્યભરમાંથી કુલ 3.14 લાખ જેટલા ફોર્મ નં.07 મેળવવામાં કે ભરવામાં આવ્યા છે.

જ્યારે સ્થળાંતરના કારણે સરનામું બદલવા, મતદારયાદીમાં નોંધાયેલી વિગતોમાં સુધારો કરાવવા, જૂનાને બદલે નવું મતદાર ઓળખપત્ર (EPIC) મેળવવા તથા દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા રાજ્યભરમાંથી કુલ 2.51 લાખથી વધુ ફોર્મ નં.08 મેળવવામાં આવ્યા છે.

ચૂંટણી તંત્રના સૌથી પાયાના કર્મયોગી એવા રાજ્યભરના તાલીમબદ્ધ બુથ લેવલ ઑફિસર્સ મતદારોના ઘરની મુલાકાત લઈ મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા તથા નવા મતદારોને સમયસર મતાધિકાર મળે તે માટે અસરકારક કામગીરી કરી રહ્યા છે.

ન્યાયી અને સુગમ ચૂંટણીઓ માટે મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા BLOની હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમ્યાન તેમને પૂરતો સહયોગ આપવા તથા પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા જાહેર અપીલ પણ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.